- રાજ્ય મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
- આગામી દિવસોમાં ઓડિટ માટે CAની નિમણુક કરાશે
- કલેકટર કચેરી-જિલ્લા પંચાયતે ફંડના નામે ઉઘરાવેલી ફાળાની પહોંચની પણ ચકાસણી થશે
મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ રીતે સહાય કરાતી હોય છે. તેનું છેલ્લા બે વર્ષનું ઓડિટ કરાવવાનો મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે. આ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરાશે. આ ઓડિટમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ ઉઘરાવેલી સીએમ રાહત ફંડના નામની ફાળાની પહોંચથી લઈને તમામ નાણાકીય વ્યવહારની ચકાસણી કરાશે.
હિસાબોનું એક પેકેજ તરીકે ઓડિટ કરાશે
વર્ષ 2022-23 અને 2023-24ના નાણાકીય વર્ષ માટે મુખ્યમંત્રીના રાહત ફંડના હિસાબોનું એક પેકેજ તરીકે ઓડિટ કરાશે. જેમાં મુખ્યમંત્રીનું રાહત ફંડ-મહેસૂલ વિભાગ ગાંધીનગરની મુખ્ય કચેરી, તમામ જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના મુખ્યમંત્રી રાહત ફંડના ખાતાનું તેમજ 12 સરકાર માન્ય હોસ્પિટલનું ઓડિટ કરાશે.
સરકારી હોસ્પિટલમાં મળેલી સહાયનું પણ ઓડિટ થશે
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોવાથી સરકારી હોસ્પિટલોને મળેલી સહાય, બેન્ક પાસબુક અને તેનો ઉપયોગ કરાયો તેના પ્રમાણપત્રને પણ તેમાં આવરી લેવાઈ છે. ઓડિટ કામગીરીમાં મુખ્યમંત્રી રાહત ફંહના તમામ આવક-જાવકના તમામ રજિસ્ટર, તેને સંબંધિત પહોંચ અને નાણાકીય હિસાબોની ચકાસણી કરીને ખર્ચનું મેળવણું જે સીએની નિયુકિત કરાય તેમણે કરવાનું રહેશે. કલેકટર અને ડીડીઓની કચેરીમાં મુખ્યમંત્રી રાહત ફંડના નામની ફાળાની પહોંચ અને રાહત ફંડ સંબંધિત વ્યવહારોની પણ તપાસ કરાશે.