કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ગોંડલની મુથુટ ફાઈનાન્સ કંપનીના પૂર્વ મેનેજર સામે રૂ.44 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર

  • હરેનભાઈ જાની શેર સટ્ટામાં રૂપિયા હારી ગયા હતા
  • રૂપિયાનું દેવું થઈ જતા પેઢીમાં હાથફેરો કર્યો હતો
  • ભાંડો ફૂટતા યુવકે ઝેર પી લીધું હતું અને સારવારમાં મોત થયું હતું

ગોંડલ ખાતે આવેલ મુથુટ ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરે પોતાની ફરજ દરમિયાન પેઢીમાંથી 20 લાખની રોકડ અને 373 ગ્રામ સોનાના દાગીનાની ઉચાપત કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા બ્રાંચ મેનેજરનું ભોપાળુ બહાર આવતા અંતે તેની સામે ઉચાપતની ફરીયાદ નોંધાઇ છે.

પોલીસ મથકે નોંધવાયેલી ફરિયાદમાં શું વિગત અપાઈ ?

મળતી વિગત મુજબ રાજકોટના રામદેવપીર ચોકડી શાંતિ નિકેતન પાર્ક-2 માં રહેતા ભાવીન દિલીપકુમાર ઠકરાર (ઉ.46) એ ગોંડલ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના હરેનભાઇ જાનીનું નામ આપ્યું છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી મુથુટ ફાયનાન્સમાં આસી. રિજીયોનલ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેની નીચે સૌરાષ્ટ્ર-કચ્છની 58 બ્રાંચ આવેલ છે જેમાં જરૂરીયાત મુજબ નાણા અને સ્ટાફ સહીતની કામગીરી કરવાની હોય છે. જયારે આરોપી છેલ્લા સાત વર્ષથી ગોંડલના ત્રિકોણીયા પાસે આવેલ મુથુટ ફાયનાન્સની બ્રાંચ મેનેજર તીકે નોકરી કરે છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તા.8/5/23ના રાતના બ્રાંચ મેનેજર હરેન જગદીશભાઇ જાનીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. તે બનાવની રિઝીયોનલ મેનેજર ભાવીન ઠકરારને ફોનથી જાણ થતા મુથુટ ફાયનાન્સના અન્ય અધિકારીઓ સાથે ગોંડલ બ્રાંચે ધસી જઇ તપાસ કરતા તા.8/5/23ના બ્રાંચ મેનેજર રજા લીધા વગર ફરજ ઉપર આવ્યા ન હોય દાળમાં કંઇક કાળુ લાગતા બ્રાંચનું ઓડીટ કરવામાં આવ્યું હતું.

ઓડીટ આવતા ભાંડો ફૂટ્યો હતો

ગોંડલ મુથુટ ફાયનાન્સ બ્રાંચનું ઓડીટ કરતા તેમાંથી 20 લાખની રોકડ રકમ અને રૂ.24 લાખની કિંમતના 373 ગ્રામ સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની સઘન તપાસ કરતા બ્રાંચ મેનેજર હરેન જગદીશભાઇ જાનીએ કટકે કટકે બ્રાંચમાંથી રોકડ અને સોનાના દાગીનાની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. ગોંડલ મુથુટ ફાયનાન્સના બ્રાંચ મેનેજરે દેણામાં ડુબી જતાં પોતાની ફરજ દરમિયાન પેઢીમાંથી ઉચાપત કર્યા બાદ દેણુ ભરી નહીં શકતા તા.8/5/23ના રાતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જેનું તા.10/5/23ના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. ગોંડલ મુથુટ ફાયનાન્સના બ્રાંચ મેનેજરે આપઘાત કરી લીધાના પ્રકરણમાં ગોંડલમાં ચર્ચાતી વિગત મુજબ બ્રાંચ મેનેજર શેર સટ્ટામાં કરોડો રૂપીયા ગુમાવી દીધા હતા જેના પગલે ગોંડલમાંથી મિત્ર વર્તુળો, સગા સંબંધીઓ પાસેથી અંદાજે 15 કરોડ રૂપીયા ઉછીના લઇ ફુલેકુ ફેરવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Back to top button