ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2003થી શરુ કરેલી ચિંતન શિબિરની આ 10મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએથી રવાના થયા હતા.
આ પણ વાંચો : કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટેની આ 26 યોજનાઓ કરી બંધ, જાણો કારણ
ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે 4 વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસથી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ સમગ્રતયા 9 વોલ્વો બસ મારફતે 218 જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે. અગાઉ પણ મુખ્યમંત્રીએ તેમના પુત્ર જ્યારે બીમાર થયા હતા ત્યારે કોઈ સરકારી સુવિધાનો લાભ ન લઈ કોમન મેનની જેમ મુંબઈ ગયા હતા. એર એમ્બ્યુલન્સનું પણ ભાડું તેમણે ચૂકવ્યું હતું.