જસદણમાં કાપડના વેપારીને વ્યાજખોરોએ ગામ છોડવા મજબૂર કર્યા

- રેડીમેન્ટ ગાર્મેન્ટ નામની કાપડની દુકાન ધરાવતાં સંદીપભાઈ છાયાણી (ઉ.વ.34)એ વ્યાજે લીધા હતા રૂપિયા
- રૂપિયા ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી
- ધંધા માટે વગર લાઈસન્સે વ્યાજ વટાઉનો ધંધો કરતાં 9 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
જસદણમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા કાપડના વેપારી પાસેથી કાર સહિતની ચીજવસ્તુઓ પડાવી લીધા બાદ વધુ વ્યાજની માંગણી કરી ધમકાવતાં અંતે નવ વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ગામ મુકી દીધું હતું. બાદમાં પરિવારજનોએ હિંમત આપતાં અંતે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીનો આક્ષેપ છે કે જે રકમ વ્યાજે લીધી હતી તેના કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં તેની ઉઘરાણી કરી હેરાન કરવામાં આવતા હતા.
9 શખસો સામે નોંધાવી ફરિયાદ
મળતી માહિતી મુજબ, જસદણનાં ચિતલીયાકુવા રોડ પર રહેતા અને બસ સ્ટેન્ડ પાસે ગેલ કૃપા રેડીમેન્ટ ગાર્મેન્ટ નામની કાપડની દુકાન ધરાવતાં સંદીપભાઈ પરસોતમભાઈ છાયાણી (ઉ.34) નામના પટેલ વેપારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં વગર લાયસન્સે ધીરધારનો ધંધો કરતાં જયેશ મુંધવા, વિશાલ ઉર્ફે સેહવાગ ધીરૂભાઈ રવૈયા, વિજય ભગુભાઈ જડુ, પ્રભાત બહાદુરભાઈ જડુ, અશોક દિનુભાઈ ખાચર, ઉદીત રામજીભાઈ તેરૈયા, પંકજ બોરીસાગર કાનો દવે અને મયંક રમેશભાઈ કાનાબારના નામ આપ્યા છે.
કોની પાસેથી કેટલી રકમ લીધી હતી ?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી કાપડની દુકાન ધરાવતાં ધંધાના વિકાસ અર્થે દોઢ વર્ષ પહેલા પૈસાની જરૂરીયાત ઉભી થતાં જયેશ મુંધવા પાસેથી 70 હજાર, વિશાલ રવૈયા પાસેથી 1.50 લાખ, વિજય જડુ પાસેથી 2.90 લાખ, પ્રભાત જડુ પાસેથી 4.25 લાખ, અશોક ખાચર પાસેથી 1.10 લાખ, ઉદીત તેરૈયા પાસેથી 40 હજાર, પંકજ બોરીસાગર પાસેથી 1.80 લાખ ઉચા વ્યાજે લીધા હતાં. જે પેટે મોટાભાગનાને વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી હતી. આમ છતાં વ્યાજખોરો દ્વારા અવારનવાર કાપડના વેપારીને જુદા જુદા માણસો મારફત ધમકાવી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. જેમાં વેપારી પાસે રહેલી વેગનઆર કાર પ્રભાતે તેના માણસ મયંક કાનાબારને મોકલી પડાવી લીધી હતી અને વધુ એક કારની માંગણી કરી પૈસા નહીં આપ ત્યાં સુધી કારમાં દારૂની ખેપ મારશું તેવીં ધમકી આપતાં હતાં. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી જઈ વેપારીએ ગામ છોડી દીધા બાદ પરિવારજનોએ તેમને હિંમત આપતાં અંતે તમામ શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.