નિવૃત્ત DYSPની જમીન મામલે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ
- જમીન બે ભાઈઓએ પચાવી પાડતાં ફરિયાદ કરવામાં આવી
- પોલીસે ગુનો દાખલ કરીને પેટલાદના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી
- વિશ્નોલી ગામની 95.13 ગુંઠા જમીન ઉપર પોરડાના બે ભાઈઓએ કબજો જમાવ્યો
નિવૃત્ત DYSPની 95.13 ગુંઠા જમીન બે ભાઈઓએ પચાવી પાડતાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બંનેને જમીનની સાચવણી, દેખભાળ માટે આપી હતી. તથા પોરડા ગામના બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે. પીડિતાએ આણંદની જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
જાણો શું છે સમગ્ર મામલો:
નિવૃત્ત ડીવાયએસપીના પરિવારજનોએ ખરીદેલી પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામની 95.13 ગુંઠા જમીન ઉપર પોરડાના બે ભાઈઓએ કબજો જમાવી દેતાં આ અંગે જિલ્લા કલેક્ટરના હુકમના આધારે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ડીવાયએસપીમાંથી નિવૃત્ત થયેલા દિલીપભાઈ ત્રિવેદીનાં પત્ની ફાલ્ગુનીબેને ગત તા. 29-4-2010ના રોજ વિશ્નોલી ગામે આવેલા બ્લોક/સર્વે નંબર 692 જેનું ક્ષેત્રફળ 95.13 ગુંઠા જેટલી જમીન નવનીતભાઈ ચુનીભાઈ પટેલ પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી અને 7/12માં તેમના પુત્રોનાં નામો દાખલ કરાવ્યાં હતાં. 2012માં પરિવાર અમેરિકા જતો રહેતાં જમીનની સાચવણી અને દેખભાળ માટે પોરડા ગામના કાંતિ રામાભાઈ પરમાર અને કનુ રામાભાઈ પરમારને રાખવામાં આવ્યા હતા. જોકે, આ બંનેએ ત્યારબાદ કબજો જમાવી દીધો હતો.
પોલીસે ગુનો દાખલ કરીને પેટલાદના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી
ફાલ્ગુનીબેન દિલીપભાઈ ત્રિવેદી જ્યારે-જ્યારે ભારત પરત આવતાં ત્યારે વિશ્નોલી સ્થિત ઉક્ત જમીને જઈને બંને ભાઈઓને કબજો ખાલી કરી દેવા માટે જણાવતાં હતાં. પરંતુ તેઓ ભલે 7/12માં તમારાં નામો છે, પરંતુ આ જમીન અમારી છે, અમે કબજો નહીં છોડીએ તેમ જણાવતા હતા. જેથી ફાલ્ગુનીબેને આણંદની જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી. જેના પર કમિટીએ તપાસ કરીને લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોઈ આ અંગે મહેળાવ પોલીસને ગુનો દાખલ કરવાનો હુકમ કરતાં ફાલ્ગુનીબેન હાલમાં વિદેશ હોઈ તેમણે આણંદ એલઆઈબીમાં ફરજ બજાવતા એએસઆઈ મહંમદયુસુફ ઈસ્માઈલભાઈ શેખને પાવર ઓફ એટર્ની આપતાં મહંમદયુસુફ શેખે મહેળાવ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને પેટલાદના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.