સાયરસ મિસ્ત્રી અકસ્માત મોત મામલે કાર ચાલક અનાહિતા પંડોળે સામે નોંધાયો ગુનો
સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેનના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સંબંધમાં કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્રની કાસા પોલીસે સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સંબંધમાં કલમ 304 (A), 279, 336, 338 હેઠળ અકસ્માત દરમિયાન ડ્રાઇવિંગ કરનાર અનાહિતા પંડોળે સામે કેસ નોંધ્યો છે. પોલીસે પતિ ડેરિયસ પંડોળેનું નિવેદન નોંધીને કેસ નોંધ્યો છે. પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં થયો હતો અકસ્માત
પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર, અનાહિતાની સારવાર ચાલી રહી છે. તે હજુ પણ ICUમાં છે. ઉલ્લેખનીય છે કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આ વર્ષે 4 સપ્ટેમ્બરે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પહેલા મિસ્ત્રીના કાર અકસ્માતમાં મોત અંગે મોટો ખુલાસો થયો હતો. સપ્ટેમ્બરમાં, તેમની મર્સિડીઝ બેન્ઝ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક પુલ પર અકસ્માતનો ભોગ બની હતી. તે સમયે કાર ડો.અનાહિતા ચલાવી રહી હતી. તેણી અને તેના પતિ ડેરિયસ પંડોળે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે સાયરસ મિસ્ત્રી અને અન્ય એકનું મોત થયું હતું.
અનાહિતાના પતિએ નિવેદનમાં શું જણાવ્યું ?
આ ઘટનામાં ઇજાગ્રસ્ત ડેરિયસ પંડોળે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની ડો. અનાહિતા ત્રીજી લેનમાં કાર ચલાવી રહી હતી અને બીજી લેનમાં જઈ શકતી ન હતી. તેમની આગળ ચાલતી અન્ય એક કારે લેન બદલી હતી પરંતુ અચાનક એક ટ્રકને જોતા અનાહિતા કારને ત્રીજી લેનમાંથી બીજી લેનમાં લાવી શકી ન હતી અને આ દરમિયાન તે પુલની રેલિંગ સાથે અથડાઈ હતી અને અકસ્માતનો ભોગ બની હતી. મહારાષ્ટ્રના પાલઘરમાં સૂર્યા નદી પરનો પુલ સાંકડો છે અને અહીં જ આ અકસ્માત થયો છે.
હાલની શું પરિસ્થિતિ છે ?
પાલઘરના કાસા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મંગળવારે ડેરિયસ પંડોળે (ઉ.વ.60) નું નિવેદન તેમના ઘરે નોંધ્યું હતું. આ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 સપ્ટેમ્બરે આ અકસ્માત થયો હતો. જેમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (ઉ.વ.54) અને તેમના મિત્ર જહાંગીર પંડોળે બ્રિજની રેલિંગ સાથે કાર અથડાતાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચલાવી રહેલા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા (ઉ.વ.55) અને તેમના પતિ ડેરિયસને ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટના બાદ ડેરિયસ પંડોળેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દક્ષિણ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું.