ગોંડલ લોકમેળામાં દુર્ઘટના સંદર્ભે 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
ગોંડલ લોકમેળામાં સાતમના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. ટીઆરબી જવાન ભૌતિક પોપટ લાઇટીંગ ટાવરને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. ભૌતિકને બચાવવા દોડેલા નગરપાલીકાના ફાયરબ્રિગેડના કર્મચારી નરશીભાઈને પણ કરંટ લાગતા બંન્ને યુવાનોને સારવાર અર્થે પ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા. જે મામલે મૃતક ટીઆરબી જવાનના ભાઈ ભાવિક પોપટએ ફરિયાદ નોંધાવતા પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દુર્ઘટનામાં 7 આયોજકો અને 3 ઇલેક્ટ્રિક લાઈટ ફિટિંગ કરનાર સામે ફરિયાદ
લોકમેળામાં સર્જાયેલી દુર્ઘટનામાં 7 આયોજકો અને 3 ઇલેક્ટ્રિક લાઈટ ફિટિંગ કરનાર સહિત 10 શખ્સો વીરુદ્ધ બેદરકારી સબબ ગોંડલ સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે. જેમાં આયોજક જયેશભાઈ નાથાભાઈ સાનીયા, મહેશભાઈ ઉર્ફે મયુર ચંદુભાઈ મેવાડા, સાગરભાઈ રાજુભાઈ મેવાડા, સંજયભાઈ ભીમાભાઈ ડાંગર, ભરતભાઈ હરીભાઈ ગોલતર, મનોજભાઈ રતાભાઈ લાંબકા, વિજયભાઈ જેઠાભાઈ ટોળીયા અને ઇલેટ્રીક લાઈટ ફિટિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર પ્રદીપભાઈ ધનજીભાઈ વઘાસીયા તથા ઇલેટ્રીક લાઈટનું ફીટિંગ કરનાર અશ્વિન ભુપતભાઈ મોરબીયા, નવનીત ધીરૂભાઈ લાલકીયા સામે સામે ગુનો નોંધાયો છે.
ઇલેકટ્રીક ટાવર ફરતે કોઇ આડશ કે ફેન્સીંગ ન રાખી બેદરકારી દાખવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
લોકમેળાનો ઇલેકટ્રીક કોન્ટ્રાકટ પાર્થ ઇલેકટ્રીકવાળા પ્રદીપભાઇ વઘાસીયાએ રાખેલ હોય તેણે તથા તેના માણસો નવનીત તેમજ અશ્વીન મારફતે લોંખડના ટાવરમા લાઇટ ફીટ કરેલ હોય અને ઇલેકટ્રીક ટાવર ફરતે કોઇ આડશ કે ફેન્સીંગ નહીં કરી બેદરકારી દાખવેલ હોય તેમજ તા.૧૮/૦૮/૨૦૨૨ના સાંજના સમયે લોકમેળામા અવાર-નવાર લાઇટ જતી રહેતી હોય જેથી પ્રદીપભાઇ ધનજીભાઇ વઘાસીયાના વાયરમેન અશ્વીન ભુપતભાઇ મોરબીયાએ ઇ.એલ.સી.બી. બાયપાસ કરી એમ.સી.બી.ઉપર ડાયરેકટ પાવર લઇ ટાવરમા ઇલેકટ્રીક પાવર આપેલ હોય જે બેદરકારીને કારણે ભૌતીક તથા નરસિંહભાઇને ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત નીપજ્યું છે.