ગુજરાતના સૌથી મોટા ચીટર ટ્રાવેલ એજન્ટ તેજસ શાહ વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ
અમદાવાદ, 3 ઓકટોબર: ગુજરાતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગની અનેક ઘટનાઓ બહાર આવી રહી છે. આ દરમિયાન એરલાઈન ટિકિટ બુકિંગ દ્વારા મસમોટું કૌભાંડ કરનારા ગુજરાતના સૌથી મોટા ચીટર એવા તેજસ નિલેશભાઈ શાહ વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ તેજસ શાહની સાથે ચાર કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે.
આ મહાઠગ અનેક લોકો સાથે એર ટિકિટ અને હોટેલ બુકિંગ મુદ્દે છેતરપિંડી કરીને મોટી રકમો ઓળવી ગયો છે એટલું જ નહીં પરંતુ તેના આ ગેરકાયદે ધંધાઓમાં કેટલીક પ્રતિષ્ઠિત હોટેલોના મેનેજરોને પણ સામેલ છે. ટિકિટ હોલ્ડ પર રાખીને એ ટિકિટ બુક થઈ ગઈ છે તેવું કહી ગ્રાહકો પાસેથી પૈસા લઈ લીધા પછી એ ટિકિટ કેન્સલ કરી દેવાની લેવાની મોડસ ઓપરેન્ડીને આધારે આ કૌભાંડ આચરવામાં આવતું હતું. અહેવાલ મુજબ, નિવૃત્ત PSI ચૌહાણ દ્વારા આ કૌભાંડી ટ્રાવેલ એજન્ટને બચાવવા માટે ઘણા ધમપછાડા કરવામાં આવ્યા છે.
ટ્રાવેલ્સ એજન્ટો અને હોટેલના મેનેજરો સાથે સિન્ડિકેટ બનાવી
આ મહાઠગ અનેક લોકોના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો છે અને ત્યાં ગર્લફ્રેન્ડ્સ સાથે ઐયાશી કરી રહ્યો છે. આ ઠગ અનેક બેનામી એકાઉન્ટો ઓપરેટ કરી રહ્યો હોવાની માહિતી છે. તેણે કેટલાક ટ્રાવેલ્સ એજન્ટો અને હોટેલના મેનેજરો સાથે ફ્રોડ કરવા માટે સિન્ડિકેટ પણ બનાવી છે. જેના થકી લોકોને લોભામણી લાલચો આપીને તે છેતરપિંડી આચરે છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, તેજસ શાહના આ કૌભાંડમાં તેનાં માતા-પિતા પણ સામેલ છે તેમજ જે બ્લિચ ટુરિઝમે તેજસ શાહ સામે ફરિયાદ કરી છે તે જ બ્લિચ ટુરિઝમ તેજસ ચીટર હોવાનું જાણવા છતાં તેની સાથે બિઝનેસ કરી રહી છે!
તેજસ શાહ કેવી રીતે આચરતો છેતરપિંડી?
એર ટિકિટ બુકિંગ એજન્સી મળી હોય એ પોતે સીધું બુકિંગ કરવાને બદલે સબ-એજન્ટ દ્વારા બુકિંગ કરાવે. સબ-એજન્ટ ટિકિટ બુક થઈ ગઈ છે એમ જણાવી પાર્ટી પાસેથી પૈસા લઈ લે પણ હકીકતમાં ટિકિટ હોલ્ડ ઉપર રાખી હોય અને તેના આધારે બીજા ગ્રાહકો પાસેથી પણ પૈસા લઈ લે. એ જ રીતે, હોટેલના વાઉચર દ્વારા પણ કૌભાંડ આચરતો હતો. મોટેભાગે વૃદ્ધ નાગરિકો, સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી કરતો હતો, જેથી આવા લોકો ફરિયાદ કરવા કે પૈસા પરત લેવા માટે વધારે દોડાદોડ કરી ન શકે. આ માણસે માત્ર નાગરિકોને જ નહીં પરંતુ કેટલાક ટ્રાવેલ એજન્ટોને પણ છેતર્યા છે.
જૂનમાં અરજી કરવામાં આવી હોવા છતાં તેજસ અને તેની ટોળકીની હજુ સુધી ધરપકડ કેમ થતી નથી?
તેજસ શાહ અને તેની ટોળકી વિરુદ્ધ ફરિયાદીએ છેક જૂન મહિનામાં 27 જૂન, 2024ના રોજ અરજી આપી હોવા છતાં પ્રશ્ન એ છે કે હજુ સુધી આ ઠગ ટોળકીની વિરુદ્ધ ફરિયાદ દાખલ શા માટે નહોતી થઈ? કોને તપાસ આગળ નહીં વધારવામાં અને ફરિયાદ દાખલ નહીં થવા દેવામાં રસ હતો? આ અંગે જાણવા મળે છે કે, સૌ પહેલાં તપાસ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ કે.ડી. કેવડિયાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ એકાએક તપાસ પીઆઈ રાઠોડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેવટે છેક ચાર મહિને તેના વિરુદ્ધ કેસ દાખલ થયો છે.
નિવૃત્ત પીએસઆઈ ચૌહાણ કોણ છે અને કેમ આ ચીટરોને છાવરે છે?
આ કેસમાં મળતી વધુ વિગતો અનુસાર સમગ્ર કેસને દબાવી દેવા માટે અને ઠગ ટોળકીને બચાવવા માટે કોઈ નિવૃત્ત પીએસઆઈ ચૌહાણ ધમપછાડા કરી રહ્યા છે. તેઓ તેમની વગથી આ કેસમાં પોલીસ ખાતાની તપાસ આગળ ન વધે એવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ નિવૃત્ત પીએસઆઈ ચૌહાણ ખરેખર કોણ છે અને તેમને છેતરપિંડીના આ કેસમાં શું રસ છે? કહેવાય છે કે, આ નિવૃત્ત પીએસઆઈ આઈપીએસ અધિકારીઓનાં નામો આપીને રોફ જમાવવા અને ડરાવવા પ્રયાસ કરે છે.
માતા-પિતા પણ સામેલ?
મળતા અહેવાલ મુજબ, તેજસ શાહના આ કૌભાંડી કારનામાઓમાં તેનાં માતા-પિતા પણ આડકતરી રીતે મદદ કરી રહ્યાં છે. અમદાવાદમાં તેમના ઘરની બહાર તેમણે તેજસ સાથે કોઈ સંપર્ક નહીં હોવાનું બોર્ડ માર્યું હોવા છતાં અંદરખાને તેઓ તેની સાથે સતત સંપર્કમાં હોવાનું અને તેના વતી નાણાકીય વ્યવહારો કરતાં હોવાનું કહેવાય છે.
રૂપિયા 30 કરોડ કરતાં વધુનું કૌભાંડ!
ચીટર ટ્રાવેલ એજન્ટના કૌભાંડનો ઘડો ગુજરાતમાં ભરાઈ ગયા પછી તે બેંગલુરુ નાસી ગયો હતો અને ત્યાં એજન્સી શરૂ કરી છે. રૂપિયા 30 કરોડ કરતાં વધુ રકમનું લોકોનું ફુલેકું ફેરવનાર તેજસ શાહે બેંગલુરુમાં પણ પાસ-પાડોશના વૃદ્ધ નાગરિકો સાથે ગુજરાત જેવી જ છેતરપિંડી કરી હોવાનું પણ જાણવા મળે છે.
આ પણ જૂઓ: અમદાવાદના મહાઠગ તેજસ શાહે ફ્રોડ કરવા ટ્રાવેલ એજન્ટોની સિન્ડીકેટ બનાવી
આ પણ જૂઓઃ શું અમદાવાદના એક ટ્રાવેલ એજન્ટ ઉપર ઘેરાઈ રહ્યો છે કાયદાનો ગાળિયો?