લખનઉના ધરાશાયી બિલ્ડિંગમાં એક કાર્ટુન કેરેક્ટરે બચાવ્યો છ વર્ષના બાળકનો જીવ!


લખનઉના અલાયા એપાર્ટમેન્ટ ધરાશાયી થવાની ઘટનામાં બે મહિલાઓ મૃત્યુ પામી, જ્યારે 14 લોકોને બચાવાયા છે. તેમાં સપાના પ્રવક્તા અબ્બાસ હૈદરનો છ વર્ષીય બાળક મુસ્તફા પણ સામેલ છે. બાળકનો ઇલાજ એસપીએમ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. મુસ્તફાએ જણાવ્યુ છે કે એક કાર્ટુને કેવી રીતે તેનો જીવ બચાવ્યો.
મુસ્તફાએ કહ્યુ કે જ્યારે પાંચ માળનું અલાયા એપાર્ટમેન્ટ હલી રહ્યુ હતુ તો તે બેડની નીચે જઇને છુપાઇ ગયો. તેણે કહ્યુ કે ડોરેમોન કાર્ટુનમાં આમ કરવાનું કહેવાયુ છે. ડોરેમોનમાં બતાવાયુ હતુ કે ભુકંપ આવે ત્યારે શું કરવુ જોઇએ અને શું ન કરવું જોઇએ. મુસ્તફાને લાગ્યુ કે બિલ્ડિંગ હલી રહ્યુ છે તો તેને તરત તે વાત યાદ આવી.
ડોરેમોન યાદ આવ્યો…
મુસ્તફાએ કહ્યુ હું ડરી ગયો હતો, પરંતુ મને કાર્ટુન શો ડોરેમોનનો એક એપિસોડ યાદ આવ્યો. જેમાં નોબિતાને ભુકંપ દરમિયાન બેડની નીચે છુપાઇને ખુદને બચાવવાનું શીખવવામાં આવ્યુ છે. મેં એક સેકન્ડ બગાડ્યા વગર તેમ કરી લીધું. મુસ્તફાએ બેડની નીચે છુપાયા હોવા દરમિયાન જોયુ કે તેની મા દોડતી હતી અને જોત જોતામાં આખી બિલ્ડિંગ પડી ગઇ અને બધે અંધારુ છવાઇ ગયું. તેના પછી શું થયુ તે તેને યાદ નથી. તેની આંખ ખુલી ત્યારે લોકો તેને લઇ જઇ રહ્યા હતા.
મુસ્તફાના દાદા અને કોંગ્રેસના નેતા અમીર હૈદર આ ઘટનામાં બચી ગયા છે. તેમનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. આ ઘટનામાં મુસ્તફાની 30 વર્ષીય માતા ઉઝ્મા હૈદર અને તેની દાદી બેગમ હૈદરે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ વસંતપંચમીની સાથે જ કૃષ્ણના આ ધામમાં થયો હોળી ઉત્સવનો પ્રારંભ, જાણો ક્યાં છે આ મંદિર