ડીસાના થેરવાડામાં દારૂ ભરેલી ગાડીએ અકસ્માત કરી ગાયના ચારેય પગ ભાંગ્યા


પાલનપુર: બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરરવાડા ગામ પાસે દારૂ ભરીને જઈ રહેલી ગાડીનો પોલીસે પીછો કરતા ગાડી એક ખેડૂતના વાડામાં ઘૂસી ગઈ હતી. જ્યારે વડામાં અંદર બાંધેલી ગાયના ચારેય પગ ભાંગી નાખ્યા હતા. અકસ્માત કરી ભાગવા જતા ચાલકને પોલીસે ઝડપી લઇ દારૂ સહિત કુલ રૂ. 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી ની ટીમે લાખ્ખો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂ લઈને આવનાર અને દારૂ ભરાવી આપનાર સહિત બે સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રૂ. 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસા તાલુકાના પાંથાવાડા તરફથી થેરવાડા- બાઈવાડા ગામ પાસેથી થઈ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થવાની હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવતા બાતમી વાળી ગાડી આવતા પોલીસે પીછો કર્યો હતો. જો કે, ડ્રાઇવરે પુર ઝડપે કાર હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડના એક ખેડૂતના ઘર નજીક વાડામાં ઘૂસી ગઈ હતી. જેમાં બાંધેલી ગાયને અથડાતા ગાયના ચારેય પગ ભાંગી જવા પામ્યા હતા. અકસ્માત કરીને ભાગવા જતા ચાલકને પોલીસે પકડી લીધો હતો. જે બાદ એલસીબીની ટીમે કારમાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 4.60 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે કારચાલક જીગર નટુભાઈ કોનાણીની અટકાયત કરી હતી અને દારૂ ભરી આપનાર નમન ગોવિંદભાઈ પુરોહિત સહિત બે સામે ફરિયાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે .