વલસાડઃ ડુંગરી નજીક હાઈવે પર દારૂ ભરેલી સુરતની એક કાર પલટી જતા લોકોએ દારૂની બોટલ લેવા પડાપડી કરી


વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર ધોળે દિવસે દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. દમણથી દારૂ લઈ જતી સુરતની એક ક્રેટા કાર વલસાડ નજીક હાઇવે નં. 48 પર ડુંગરી ગામની હદમાં પલટી મારી ગઇ હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. જો કે કારમાં દારુની બોટલ હોવાને કારણે રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. જેનો લાભ ત્યાંથી પસાર થતા લોકોએ ઉઠાવતા રાહદારીઓએ દારૂની બોટલો લઈ ચાલતી પકડી હતી. દારૂબંધી હોવા છતા કેટલાક લોકોએ દારૂની બોટલો લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. જેનો વીડિયો હાલ વાઈરલ થયો છે. પોલીસ દારૂની હેરાફેરી કરી રહેલા કારચાલકો ઉપરાંત વીડિયોમાં દેખાતા લોકો સામે પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

હાથમાં જેટલી બોટલ આવે તેટલી લઈને ભાગ્યા
દમણ તરફથી GJ05-GO-7205 નંબરની ક્રેટા કાર પુરપાટ ઝડપે ડુંગરી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ડુંગરી બ્રિજ ઉતરતી સમયે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા થઈ હતી, જો કે ગાડીમાં દારૂનો જથ્થો હતો તેથી તેઓ દારૂના જથ્થા સાથેની કાર મૂકી નાસી છૂટ્યા હતા. રસ્તા પર દારૂની રેલમછેલ થતા જ કેટલાક રાહદારીઓએ તક ઝડપી લીધી હતી અને હાથમાં જેટલી બોટલો આવી એટલી લઈને ચાલતી પકડી હતી. લોકોએ પોલીસનો કોઈ ડર રાખ્યા વગર જ દારૂની બોટલો લેવા પડાપડી કરી હતી.

દારૂ માટે કેવી પડાપડી તેનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં 20થી વધુ લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. મોડા પહોંચેલા કેટલાક લોકો તો કારની અંદર ડોકિયું કરતા પણ જોવા મળ્યા હતા. જેથી અંદર એકાદ-બે બોટલ રહી ગઈ હોય તો તે પણ લઈ જવા થાય. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈ લોકો હસી રહ્યા છે. તો સાથે દારૂબંધીના કાયદાને લઈ સવાલો પણ ઉઠી રહ્યા છે.