ક્રિકેટ અને ચૂંટણી બંનેની વ્યસ્ત સીઝન શરૂ થઈ રહી છે, કોણ હાવી રહેશે?
- લોકસભા ચૂંટણી હોવા છતાં સમગ્ર IPL ભારતમાં જ યોજવાની BCCIની પુષ્ટિ
- હોમ-અવે ફોર્મેટને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે આવી શકે છે મુશ્કેલી
નવી દિલ્હી, 17 માર્ચ: IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે BCCIએ અત્યાર સુધી માત્ર પ્રથમ તબક્કાની મેચોની જાહેરાત કરી છે. શનિવારે ભારતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે, લોકસભા ચૂંટણી હોવા છતાં IPL 2024ના બધા મેચો માત્ર ભારતમાં જ યોજાશે. ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને હવે બોર્ડ ટૂંક સમયમાં IPLના બાકીના સમયપત્રકની જાહેરાત કરશે. IPL 2024ની શરૂઆતની મેચ 22 માર્ચના રોજ સાંજે 8 કલાકે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જ્યારે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂનના સમયગાળામાં સાત તબક્કામાં યોજાશે. તો એ જોવાનું રહ્યું છે કોણ કોના પર હાવી રહેશે. ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ દરમિયાન IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી હોવા છતાં IPL દેશમાં જ રમાશે.
2019માં પણ સમગ્ર સીઝન દેશમાં જ રમાઈ હતી
ચૂંટણી પંચે શનિવારે કહ્યું કે, આ વર્ષે સાત તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન BCCIને આવા જ સમાન સંજોગોનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પણ IPLની સમગ્ર સીઝન દેશમાં રમાઈ હતી.
BCCIએ અગાઉ 22 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન યોજાનારી IPL 2024ના પ્રથમ તબક્કાની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ શેર કર્યું હતું. IPL શરૂ થવામાં હવે માત્ર પાંચ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓ તેમની ટીમના કેમ્પમાં જોડાયા છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈ ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે
BCCIના એક સૂત્રએ કહ્યું છે કે, હવે ચૂંટણીનો કાર્યક્રમ આવી ગયો છે. તેના આધારે અમે આગળના કાર્યક્રમો તૈયાર કરી રહ્યા છીએ. મતદાનના સાત તબક્કા છે, તેથી અમે જે તબક્કામાં જ્યાં મતદાન થતું હશે ત્યાં તે તબક્કામાં અમે મેચો યોજીશું નહીં. આ કારણે, હોમ-અવે ફોર્મેટને સંપૂર્ણ રીતે અનુસરવું નહીં પડે. હોમ-અવે ફોર્મેટમાં, ટીમ લીગની અડધી મેચ તેના પોતાના હોમ ગ્રાઉન્ડ પર અને બાકીના મેચ અન્ય ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમે છે.
આ પણ જુઓ: લોકસભા ચૂંટણી 2024 તારીખ: 21 રાજ્યો, 102 બેઠકો પર મતદાન, જાણો પ્રથમ તબક્કામાં ક્યાં મતદાન થશે