ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: અમેરિકામાં કાર્ગોશીપ અથડાતાં નદી પરનો બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો પાણીમાં ગરકાવ

Text To Speech

મેરીલેન્ડ (અમેરિકા), 26 માર્ચ: અમેરિકાના મેરીલેન્ડમાં એક માલવાહક જહાજ અથડાયા બાદ ‘ફ્રાંસિસ સ્કોટ કી બ્રિજ’નો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ ઘટના અમેરિકન સમય અનુસાર રાતે લગભગ 1.30 વાગ્યે બની હતી. પટાસ્પગો નદીમાં કાર્ગોશીપ પુલ સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી અને જહાજ ડૂબી ગયું. આ સિંગાપોર ફ્લેગવાળું જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. તેનું નામ દાલી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે 7 લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. પુલ ધરાશાયી થવાને કારણે તેના પર હાજર અનેક વાહનો પણ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ કહ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ તમામ લેન બંધ કરી દેવામાં આવી છે અને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. આ જહાજ 948 ફૂટ લાંબુ હતું. ફ્રાન્સિસ કી બ્રિજ 1977 માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જહાજ પર હાજર બે પાયલોટ સહિત ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

દાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે જહાજ પર હાજર બે પાઈલટ સહિત સમગ્ર ક્રૂ સુરક્ષિત છે. તેઓ ઘાયલ થયા નથી. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર બાલ્ટીમોર હાર્બરમાં પાણીનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ અનુસાર, જ્યારે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય છે, ત્યારે શરીરનું તાપમાન પણ ઝડપથી ઘટે છે. જેના કારણે પાણીમાં ડૂબેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો: અમૂલ પહેલી વખત દેશની બહાર બિઝનેસ કરવા જઈ રહ્યું છે, હવે અમેરિકામાં પણ મળશે પ્રોડક્ટ્સ

Back to top button