પાંથાવાડાની શાળામાં એડમિશન માટે 20 હજારની લાંચ માંગતા લાંચિયા ઝડપાયા
પાલનપુર, 07 જૂન 2024, સરસ્વતી દેવીના મંદિરમાં પણ લાંચિયા શિક્ષકોએ લાંચ માંગીને વ્યવસાયને લજવ્યો છે. પાંથાવાડા ખાતે આવેલ તિરૂપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષક અને શાળા સંચાલક રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. એસીબીએ ત્રણેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
20,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી
દાંતીવાડાના પાંથાવાડા ખાતે આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક અરજદારના પુત્રને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેવાનું હોવાથી અરજદાર દ્વારા તિરૂપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરતા ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારા ધોરણ મુજબની નિયત કરેલી ફી રૂ.380 ચાલતી હતી, તેમ છતાં અરજદાર પાસેથી શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઈ પટેલ અને શાળા સંચાલક અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી દ્વારા અરજદાર પાસેથી રૂ. 20,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
લાંચ લેતા શિક્ષકને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા
જેમાં રૂ.10,000 બીજા સત્રમાં તેમજ રૂ.10,000 હાલમાં આપવાનું જણાવ્યું હતું.જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય તેમને પાલનપુર એસીબી નો સંપર્ક કરતા એસીબી પી.આઇ એન.એચ.મોર એ તિરૂપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચના છટકા દરમિયાન મનોજકુમાર પટેલ એ અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી શાળાના શિક્ષક અર્જુનભાઈ ઉર્ફે અરજણભાઈ મશરૂભાઈ સોલંકી ને આપી દેવાનું જણાવતા અરજદારે રૂ.10,000 શિક્ષકને આપતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. આમ પંચોની હાજરીમાં નાણાં સ્વીકારી એકબીજાને મદદગારી કરી હોવાનું સામે આવતા acb એ શાળાના આચાર્ય,શિક્ષક અને સંચાલકની અટકાયત કરી લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો છે. જેનું સુપર વિઝન મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભૂજ કે.એચ.ગોહિલ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસાના ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ