ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગ

વિશ્વ પુસ્તક દિવસ: ‘અકૂપાર’ બાય વન એન્ડ ઓનલી ધ્રુવ ભટ્ટ, વાંચો એક નાનકડી જલક

Text To Speech

વિકી રાજપૂત: આમ તો આ બુકમાં સ્થળ સાસણ અને તેની આસપાસનાં નેસડાઓ. એમાં રાજકોટ અને અમદાવાદનાં દેખા પણ કો’ક જગ્યાએ મળી જાય. વાર્તા એટલી સરસ બંધાય છે કે, અધૂરી મૂકતાં જીવ ના ચાલે. એમાં ભાષાકર્મ પણ એટલું જ જોરદાર! વાર્તાનાં બધાં જ પાત્રોનો એકબીજા સાથેનો સંબંધ ઈવન જગ્યાઓનો પણ એકબીજા સાથેનો સંબંધ આહાહાહા…..કેટલી અદ્ભુત રચના યાર! ધ્રુવદાદાએ અદ્ભુત કામ કર્યું અને પાત્રો પાસેથી કઢાવ્યું પણ!

એક શિલ્પકાર જેમ પથ્થરને બારીકાઈથી કોતરીને મૂર્તિ બનાવતો હોય તેમ આખી વાર્તા થઈ છે. જેમ જેમ વાંચતા જઈએ એમ એમ એક ચિત્ર આંખ સામે ઊભું થતું જાય. આમ પણ વાર્તાને ચિત્રકામ સાથે સંબંધ પણ ખરો જ! એવું કહી શકાય કે વાર્તા જ ચિત્રકારને કારણે આવી હશે.

સાંસાઈ, ધાનુ, ડોરોથી, આઈમા, કરમણ, દાનો, લક્ષ્મી, લાજો, ગઢવીભા, એમદભાઈ, આબીદાબેન, રવિભાઈ, ગોપાલભાઈ, ભરથરી ઉર્ફે વિક્રમ, રતનબા, ગોરભા – ગોરાણી, રાણી સરપંચ, ગિરવાણ, ડીએફઓ, સોનલ, પ્રિયંકા અને પ્રિય રમજાનાને કેમની ભૂલાય! કેટલા બધાં પાત્રો! સાથે સાથે જગ્યાઓ પણ એટલી જ લોભામણી.

સાસણ, આઈમાનો નેસ, લાજોનો નેસ, ભૂતિયોવડ, ઘંટલા – ઘંટલીના ડુંગરો, વાંહાઢોર, બરડો ડુંગર, કનડો ડુંગર, ગિરનાર, રૂખડા મા’દેવવાળી જગ્યા, હિરણનો તટ, અધોડીયા, ધાતયડીનો પટ, ખેતરો, વાડીઓ, પ્રાચી, કાસિયોનેસ, ઘેડ આહાહાહા…..આ બધી જગ્યાઓ વાંચતા જ કલ્પનાચિત્ર ઊભું થઈ જાય.

ધ્રુવ ભટ્ટે નક્કી જ ગીર ખૂંદ્યી જ હશે! આ બધી જ જગ્યાઓએ ફર્યા હશે, કદાચ એમને સાંસાઈ, ધાનુ, આઈમા, ડોરોથી આ બધા પાત્રો મળ્યા પણ હોય! કારણ કે આટલું સટીક શબ્દશ: વર્ણન ત્યારે જ શક્ય છે જ્યારે તમે એ વ્યક્તિને જોવો, મળો, તમારો કંઈકને સંબંધ હોય. આ વાત એ જગ્યાઓને પણ લાગુ પડે જ છે ધ્રુવદાદાએ અંદર વાર્તામાં મૂકી છે.

છેલ્લે કાઠિયાવાડી ભાષામાં ગીરની વાત,

“ગય્ ર એટલે ગય્ ર! જ્યાં મ‍ાણાં અને સ્હાવજો ભેળા રે’ય. એ પણ એકાબીજાની આમન્યા રાય્ખીને! માણહ અને સ્હાવને સ્હેજેય વેર નો હોય. એ વાય્ત સ્વીકારવી જ જોવે.
અરે, ગય્ ર આખી કેય્ટલી રૂપાળી સે! ‘ને એમાં રે’તા ગય્ રનાં સ્હાવજડાંવ અને એનાં બસોડિયાય એટલાં રૂપાળાં સે. વાત જ જાવા દ્યો, ન્યાંના માણસો અને નેહડાંય એટલા અસલ! ‘ખમ્મા ગય્ રને ઘણી ખમ્મા’.”

ગીરમાં ફરેલો છું એટલે એટલે ચોક્કસ કહીશ કે જે વ્યક્તિમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય તો તેને ગીર સાથે જન્મોજનમનો સંબંધ બંધાઈ જાય છે અથવા એમ પણ કહી શકાય કે સંબંધ હશે એટલે જ આ જગ્યા એને ખેંચીને બોલાવી લાવી હશે. એક ગજબનું આકર્ષણ આ આખા વિસ્તારમાં છે જે ગિરનારની આજુબાજુ છે. હા, ત્યાં એક વખત ગયાં પછી બીજી વખત જવાનું મન થાય જ! એ જગ્યાની શક્તિનો પુરાવો છે.

(ભાગ્યે જ કોઈને એ જગ્યાએ જવાનું મન ન થાય તેનાં કારણો જરુર અલગ જ હોય! પણ એ પ્રકૃતિપ્રેમી નથી જ એવું ચોક્કસપણે કહી જ શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી!)

Back to top button