અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

કોંગ્રેસની ભરતી વધી જતાં વડોદરામાં ભાજપના નેતાએ નવી પાર્ટી બનાવી, હવે ચૂંટણી લડશે

વડોદરા, 28 માર્ચ 2024, ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીથી જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. 2024માં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં જાણે આખો કોંગ્રેસ પક્ષ સમાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાતા ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષની જ્વાળાઓ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ સાત જેટલા કોંગ્રેસી મુળના નેતાઓ ભાજપની ટીકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટીકિટ આપતાં મામલો વધારે બિચક્યો છે. ત્યારે હવે વડોદરામાં ભાજપના એક નેતાએ નવી પાર્ટી બનાવી છે. જેનું નામ BJP(S) આપ્યું છે. ચૂંટણી પંચ પાસે ભાજપ(S)નું ચૂંટણી ચિન્હ ‘હાથમાં કમળ’ મેળવીને ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.

આજે અમે ભાજપ(S)ની સ્થાપના કરી રહ્યા છીએ
ભાજપના નેતા અરવિંદ સિંધાએ ભાજપ(S) એટલે કે, શ્યામા પ્રસાદ મુખર્જી ટીમ બનાવવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં ચૂંટણીપંચમાંથી મંજૂરી મેળવી આવનારી ચૂંટણીઓમાં ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા અસંતુષ્ટ થયેલ ઉમેદવાર, નેતા અને કાર્યકરોને ચૂંટણીનાં ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી લડાવવાની વાત તેઓએ કરી છે અને ચૂંટણી પંચ પાસે ભાજપ(S)નું ચૂંટણી ચિન્હ ‘હાથમાં કમળ’ મેળવવામાં આવશે.અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, આઝાદી પછીની વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારના ઉદ્યોગમંત્રી શ્યામા પ્રસાદ મુખર્જીએ હિન્દુ વિચારધારાને લઇને ભારતીય જનસંઘની સ્થાપના વર્ષ 1951માં કરી હતી. જેને લઈને આજે અમે ભાજપ(S)ની સ્થાપના કરી રહ્યા છે.

કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા પણ મળી રહ્યા નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (S) ઉભી કરવાનું કારણ એ છે કે, અત્યારે ભાજપમાં કોંગ્રેસી નેતા અને કાર્યકરોની ભરતી થવાથી ભાજપના મૂળ પાયાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે અને ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી ભાજપની છબી ખરડાઈ રહી છે. તેથી, હાલની લોકસભાની ચૂંટણીમાં મતદારો ગૂંચવાઈ ગયા છે. ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલાની સંખ્યા વધી જવાથી ભાજપાનાં મૂળ કર્મનિષ્ઠ અને પાયાના કાર્યકરો, હોદ્દેદાર અને નેતાઓમાં મોટા પાયે આ લોકસભાની ચૂંટણીમાં અસંતોષ જોવા મળ્યો છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો અને નેતાઓને પણ હોદ્દા ન આપવાથી તેઓ પણ પસ્તાઈ રહ્યા છે. જ્યારે કેટલીક બેઠકો પર કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યોને બીજી ટર્મ ટિકિટ પણ મળી રહી નથી અને ભાજપાના મૂળ સંગઠન પ્રદેશ કે, શહેર જિલ્લા સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા પણ મળી રહ્યા નથી.

કાર્યકરોને ચૂંટણીનાં ઉમેદવારો જાહેર કરી ચૂંટણી લડીશું
તેમણે કહ્યું હતું કે, શિસ્તવાળી ભાજપમાં હવે ગેરશિસ્ત ઉભી થઇ ગઈ છે. જેથી પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલના પદાઘિકારીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વડોદરામાં વર્ષો પહેલા અપક્ષમાં ચૂંટાયા બાદ સાંસદ બનેલા નેતાનો મૂળ ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો, ભાજપાનાં મૂળ પાયાનાં કાર્યકરોને અન્યાય ન થાય અને મૂળ કોંગ્રેસના કાર્યકરો, નેતા, ચૂંટાયેલ સભ્યોને અન્યાય ન થાય અને સમાન હક્ક મળે અને ભાજપના વૃક્ષનો છાયડો મળે અને ભારતીય જનતા પાર્ટી પરિવાર કાકા-ભાઈની ભાવના જળવાઈ રહે અને ભાજપમાં આવેલા મૂળ કોંગ્રેસનાં મિત્રોને સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનાં આશીર્વાદ મળે તે હેતુ થી હું અરવિંદસિંહ અમરસિંહ સિંધા ભાજપ(S)ની સ્થાપના કરૂ છું. ટૂંક સમયમાં હું ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા મંજૂરી મેળવી આવનારી ચૂંટણીઓમાં ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા અસંતુષ્ટ થયેલ ઉમેદવાર, નેતા અને કાર્યકરોને ચૂંટણીનાં ઉમેદવારો જાહેર કરી ચૂંટણી લડીશું. ચૂંટણી પંચ પાસે ભાજપ(S)નું ‘હાથમાં કમળ’ નિશાન મેળવીશું.

Back to top button