રાજુલામાં રોડ વચ્ચે બેઠેલા ઢોર પર બાઇક ચડી ગયું, જુઓ હચમચાવી નાંખતા CCTV
રાજુલા, 10 ઓગસ્ટ 2024, ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરોને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે અમરેલીના રાજુલામાં જાફરાબાદ માર્ગ પર બેઠેલા ઢોરોને કારણે હચમચાવી નાંખતો અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તા વચ્ચે બેઠેલાં ઢોરો પર ત્રિપલ સવારી આવતું બાઇક ચડી જતાં બાઇક સવાર ત્રણેય યુવક ઊછળીને 10 ફૂટ દૂર ફંગોળાયા હતા. આ ત્રણેય લોકોને સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ ઘટના મુળ ચાર ઓગસ્ટની છે જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
View this post on Instagram
ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લામાં પાંચ દિવસ અગાઉ જ ધારીમાં બાખડી રહેલા આખલાઓએ ડોક્ટરને કચડ્યા હતા એ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઇ હતી. 4 ઓગસ્ટના રોજ રાજુલામાં થયેલા અકસ્માતના પણ હવે સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ટ્રિપલ સવારી બાઇક પશુઓ પર ચડી ગઈ હોવાનું જોવા મળે છે.રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર ગત 4 તારીખે અડિંગો જમાવીને રખડતાં પશુઓ બેઠા હતા. ત્યારે પૂરઝડપે આવતા ટ્રિપલ સવારી બાઇકચાલકને પશુઓ ન દેખાતાં બાઇક ઉપર ચડી ગઈ હતી, ત્રણેય બાઇકસવારો બાઇક ઉપરથી ઊછળીને 10 ફૂટ જેટલા દૂર પટકાયા હતા, જેના કારણે ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચોઃઅમરેલીમાં બાખડતા આખલાઓનો આતંક, ટૂ-વ્હીલર લઈ જતા ડોક્ટરને અડફેટે લીધા