ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ શહેરમાં સરકારી 8000 લિટર તેલમાં થયુ મોટું કૌભાંડ

  • તેલના ખેલ પાછળ પણ એક દુકાનદારનું કારસ્તાન હોવાનું જાણવા મળ્યું
  • પુરવઠા મંત્રીએ રેલવે સ્ટેશન પાસે આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં ચેકિંગ કર્યુ
  • 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારોના નામ ખૂલ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી

રાજકોટ શહેરમાં સરકારી 8000 લિટર તેલમાં મોટું કૌભાંડ થયુ છે. જેમાં પુરવઠા મંત્રીએ ગોડાઉનમાં ચેકિંગ કર્યાના કલાકોમાં જ થયેલા કૌભાંડના ગાંધીનગરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેમજ ગોડાઉન મેનેજર, કોન્ટ્રાક્ટર અને ડિલિવરી મેનની પણ શંકાસ્પદ ભૂમિકા થતા કલેકટર પાસેથી રિપોર્ટ મંગાયો છે. જેમાં આખો દિવસ ગોડાઉનમાં પડયા પાથર્યા રહેતા એક દુકાનદારે કારસ્તાન કર્યું હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જાણો કયા બનશે રૂ.700 કરોડના ખર્ચે 9 આઇકોનિક રોડ 

તેલના ખેલ પાછળ પણ એક દુકાનદારનું કારસ્તાન હોવાનું જાણવા મળ્યું

રાજકોટમાં પુરવઠા મંત્રીએ રેલવે સ્ટેશન પાસે આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં ચેકિંગ કર્યાના કલાકોમાં જ સરકારી તેલનું ખાનગી વાહનમાં વિતરણ કરવામાં આવ્યું હોવાના બનાવમાં ગાંધીનગરથી ડે. સેક્રેટરી સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સરકારે ફાળવેલા 800(8000 લિટર)થી વધુ તેલના બોક્સનું બારોબાર વેચાણ થયું હોવાની અને 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારોના નામ ખૂલ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, પુરવઠા નિગમના ગોડાઉનમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનના એક હોદ્દેદારનો અત્યંત નિકટનો સસ્તા અનાજના દુકાનદારે ડેરાતંબુ નાખ્યા છે. આ દુકાનદારની હાજરી સસ્તા અનાજની દુકાનમાં ઓછી અને ગોડાઉનમાં વધુ હોવાની ચર્ચા છે. પુરવઠા નિગમમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો મોટું ષડયંત્ર બહાર આવે તેમ છે. એટલું જ નહીં તેલના ખેલ પાછળ પણ આ જ દુકાનદારનું કારસ્તાન હોવાનું જાણવા મળી રહ્યું છે.

બન્ને ટીમોએ ઝીણવટભરી તપાસ કરી કેટલાક પુરાવા એકત્ર કર્યા

ગોંડલ પાસે આવેલી મિલમાંથી તેલનો જથ્થો રાજકોટ ગોડાઉનમાં આવી પહોંચ્યાની જાણ પુરવઠા નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા બાદ સસ્તા અનાજના દુકાનદારો ખાનગી વાહન લઈને પોતાનો જથ્થો લઈને રવાના થઈ ગયા હતા. બાદમાં એક ટ્રકમાં અન્ય તેલનો જથ્થો હતો તેનો બારોબાર વહીવટ શહેરના 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેલનું વિતરણ કરવામાં આવ્યા બાદ આખો મામલો પ્રકાશમાં આવતા અને ફરિયાદ પુરવઠા મંત્રી સુધી થતા રાત્રિના જ ગાંધીનગરથી પુરવઠા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહિતની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બીજા દિવસે વધુ એક ટીમ ગાંધીનગરથી રાજકોટ આવી હતી અને તે પણ તપાસમાં જોતરાઈ હતી. આ બન્ને ટીમોએ ઝીણવટભરી તપાસ કરી કેટલાક પુરાવા એકત્ર કર્યા છે.

Back to top button