મુંબઇ એરપોર્ટ પર ઉતર્યુ વ્હેલ જેવુ મોટુ વિમાનઃ જાણો તેમાં શું છે ખાસ


સુપર ટ્રાન્સપોર્ટર એરબસ બેલુગા મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યુ ત્યારે તેના વિશાળ આકારના કારણે તરત એરપોર્ટના કર્મચારીઓ અને યાત્રીઓએ તેનુ ધ્યાન ખેંચ્યુ. A300-600ST સુપર ટ્રાન્સપોર્ટરના નામથી પણ ઓળખાય છે. એરબસ બેલુગા મોટા આકારના એર કાર્ગોને ટ્રાન્સપોર્ટની એક અનોખી રીત પ્રદાન કરે છે. એરબસના જણાવ્યા અનુસાર આ માલવાહક વિમાન 1990ના દાયકાના મધ્યથી કંપનીની પોતાની ઔદ્યોગિક એરલિફ્ટની જરૂરિયાતો માટે કામ કરે છે.
બેલુગા વ્હેલ પરથી રખાયુ નામ
એરબસ બેલુગા એટલા માટે અલગ છે કારણ કરે આ વિમાનનો આકાર અન્ય વિમાનોની તુલનામાં ખૂબ જ વિશાળ છે. તેનું નામ એક બેલુગા વ્હેલ માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વિમાનનો ઉપયોગ મોટી અને ભારે વસ્તુઓ જેવા કે વાહનો અને વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોના પરિવહન માટે કરવામાં આવે છે.
40,700 કિલો વજન લઇ જવાની ક્ષમતા
આ વિમાનના આકારની વાત કરીએ તો આ વિમાનની લંબાઈ ટ્રેનના બે ડબ્બાને લાઈનમાં ઊભા રાખવામાં આવે તેનાથી પણ વધુ છે. આ વિમાનની લંબાઈ 184 ફૂટ છે. વિમાનની ઉંચાઈ 56.7 ફૂટ છે. આ વિમાન એકવારમાં 40,700 કિલો વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે. વિમાન સંપૂર્ણ પણે ખાલી હોય છે ત્યારે વિમાનનું વજન 86,500 કિલો હોય છે. વિમાનના પાંખોની લંબાઈ 147.1 ફૂટ છે. આ વિમાન 1,55,000 કિલોથી વધારે વજન સાથે ઉડાન ભરી શકે છે. ઇંધણની વાત કરીએ તો આ વિમાનમાં 23,860 લિટર ફ્યૂલ આવે છે.
આ પણ વાંચોઃ પહેલા ટ્વિટર કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો, હવે યુઝર્સને ‘જેલમાં’ નાખવાની તૈયારી કરી રહ્યા છે Elon Musk!