ખેડૂતોના ફાયદા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો શું?

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ખેડૂતોને ફાયદો થાય તેવો એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી હવે વધારીને 32.5 ટકા કરવામાં આવી છે.
કસ્ટમ ડ્યુટીમાં સીધો 20%નો વધારો
પીટીઆઈ અનુસાર, નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે. તેને વધારીને 20 ટકા અને 32.5 ટકા કરવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ક્રૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0-20% છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર તે હવે 12.5-32.5% છે. બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારા બાદ હવે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.
ડુંગળીના વધતા ભાવ વચ્ચે પણ આ નિર્ણય લેવાયો
ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે સરકારે વધુ એક મોટો નિર્ણય લઈને ડુંગળીના ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. વાસ્તવમાં મોદી સરકારે ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર નિકાસ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી છે. આ સંદર્ભમાં ડીજીએફટીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરના MEPને આગામી આદેશો સુધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પર લઘુત્તમ નિકાસ કિંમત પણ હટાવી દીધી છે.
ખેડૂતોને જબરદસ્ત ફાયદો થશે
રિપોર્ટમાં એક સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે બાસમતી ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.