વિપક્ષની બેઠક પહેલા નીતિશ કુમારને મોટો ફટકો! જીતનરામ માંઝીના પુત્રએ આપ્યું રાજીનામું
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ને પટણામાં થનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. મહાગઠબંધનનો હિસ્સો HAM પાર્ટીના નેતા સંતોષ કુમાર સુમને મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ નીતિશ કુમાર ની સરકારમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી હતા.
સંતોષ કુમાર સુમન બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને નીતિશ કુમારના નજીકના જીતનરામ માંઝીના પુત્ર છે. જીતનરામ માંઝીની પાર્ટીને પટણામાં 23 જૂને યોજાવા જઈ રહેલી વિપક્ષની બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. રાજીનામા પછી મીડિયા સાથે વાતચીતમાં જીતનરામ માંઝીએ દાવો કર્યો છે કે નીતિશ કુમાર ઈચ્છતા હતા કે HAMનું જેડીયૂમાં વિલય કરી દેવામાં આવે, જેના પર તેમની પાર્ટી સહમત નહતી.
તેમણે કહ્યું કે આ જ કારણથી તેમની પાર્ટીને 23 જૂનની વિપક્ષી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જણાવી દઈએ કે જીતન રામ માંઝી એપ્રિલ મહિનામાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ મહાગઠબંધન છોડીને NDAમાં સામેલ થઈ શકે છે. સંતોષ કુમાર સુમનના રાજીનામા પર JDU તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. પાર્ટીના નેતા લેસી સિંહે કહ્યું કે કોઈના જવાથી ગઠબંધન પર કોઈ અસર પડતી નથી.
માંઝીના અલગ થવાથી નીતિશ કુમાર ને મોટો ફટકો કેમ?
રામવિલાસ પાસવાનની ગણતરી બિહારના મોટા દલિત નેતાઓમાં થતી હતી. આ સમયે તેઓ ભલે આ દુનિયામાં નથી પરંતુ તેમની પાર્ટીના બંને જૂથો નીતિશ કુમાર ની વિરુદ્ધ છે. બિહારના મહા-દલિતોમાં જીતનરામ માંઝી પણ એક મોટો ચહેરો છે. હવે જો તેઓ પણ નીતીશ કુમાર થી અલગ થઈ જાય છે તો બિહારમાં નીતીશ કુમાર – તેજસ્વીની સરકારને દલિત વિરોધી ગણાવીને ભાજપ આ રણનીતિ પર કામ શરૂ કરી શકે છે.
ચિરાગ પાસવાન પહેલા જ પોતાને પીએમ મોદીના હનુમાન ગણાવી ચૂક્યા છે જ્યારે સંજોગો કહી રહ્યા છે કે જીતનરામ માંઝી પણ એનડીએના પક્ષમાં જઈ શકે છે. બિહારમાં મુસાહર જાતિના 5 ટકા વોટ છે જે લોકસભા ચૂંટણી 2024 અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને નેતાઓ બિહારમાં ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- Breaking : ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા; કાશ્મીરથી NCR સુધી ધરા ધ્રૂજી
ઉલ્લેખનિય છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓ નીતિશ કુમાર ની આગેવાનીમાં એક મહાગઠબંધન ઉભું કરવાની કવાયત હાથ ધરી છે. આ મહાગઠબંધન થકી બીજેપીને માત આપવાનો પ્લાન બનાવવામાં આવશે. જોકે, આ ગઠબંધન કેટલું સફળ થશે તે તો આગામી સમય જ બતાવશે.