ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની મોટી જાહેરાત, લઠ્ઠાકાંડના મૃતકોના છોકરાઓને ભણાવવાની જવાબદારી લેશે


અમદાવાદઃ હમણાં થોડા દિવસ પહેલાં જ બરવાળા લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂને કારણે ઘણાં લોકોના મોત થયા હતા. તેમાંથી ઘણાં પરિવારનો એકમાત્ર ટેકો હતા. તો ઘણાં વૃદ્ધ મા-બાપનો એકમાત્ર સહારો હતા. આવા સમયે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ માનવતાભરી જાહેરાત કરી છે.

અમિત ચાવડાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોને ધોરણ 1થી 12 સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેમની સંસ્થા નિભાવશે. તેમની સંસ્થા બોરસદમાં આવેલી છે.

શું છે સમગ્ર ઘટના?
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે. 30થી વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતું. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ આ અંગે તપાસ કરી રહી છે.
લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાની તારણ
એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.