ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૈસા ડબલ કરવાની લાલચમાં B.Scની વિદ્યાર્થિનીએ 1.63 લાખ ગુમાવ્યા

  • છેતરપિંડી કરનારાઓએ પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી
  • વિદ્યાર્થિની યુપી પોલીસના મિશન શક્તિ હેઠળ નવરાત્રિ દરમિયાન એક દિવસ માટે પોલીસ ઓફિસર બની હતી
  • 2021ની સરખામણીમાં 2022માં સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળ્યો

ઉત્તર પ્રદેશ, 06 ડિસેમ્બર:  ફિરોઝાબાદમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના બની છે.  અહીં રહેતા ડૉક્ટરની પુત્રી પાસેથી સાયબર ઠગોએ રૂ.1.63 લાખની છેતરપિંડી કરી હતી. આ માટે છેતરપિંડી કરનારાઓએ તેને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. પીડિતા તેમની જાળમાં ફસાઈ ગઈ અને તેના પૈસા ગુમાવી દીધા હતા.

લોભના ખરાબ પરિણામો આવે છે. આ જાણીને પણ લોકો લોભી થઈ જાય છે.  લોભ ઠગોનું સૌથી મોટું હથિયાર છે. તેઓ લોકોને લાલચ આપીને પોતાની જાળમાં ફસાવે છે. તે પછી તેઓ છેતરપિંડી કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. આજકાલ આ મોટે ભાગે સાયબર ફ્રોડના કેસોમાં જોવા મળે છે. તાજો મામલો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનો છે. અહીં એક સાયબર અપરાધીએ ડૉક્ટરની દીકરીને લાલચ આપીને તેને ફસાવી હતી, ત્યારબાદ તેની સાથે 1.63 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ગાયબ થઈ ગયો.

જ્યારે પીડિતાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે તો તેણે તેના પિતાને બધી વાત કહી. પીડિતાના પિતાની ફરિયાદના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે. છેતરપિંડીની આ ઘટના ફિરોઝાબાદના પોલીસ સ્ટેશન સાઉથ વિસ્તારના નંદરામ ચોક નઈ બસ્તીની રહેવાસી સૃષ્ટિ જૈન નામની બીએસસી પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે બની હતી. તેના પિતા શહેરના જાણીતા ડોક્ટર છે. આટલું જ નહીં યુપી પોલીસના મિશન શક્તિ હેઠળ નવરાત્રિ દરમિયાન તેને એક દિવસ માટે પોલીસ ઓફિસર બનાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સૃષ્ટિને સાયબર અપરાધીએ પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે તેના પૈસા ડબલ-ત્રણ ગણા થશે. આ માટે તેણે બેંક ખાતામાં કેટલાક રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવી પડશે. તે રકમ વધારીને તેને પરત કરવામાં આવશે. ઓનલાઈન કંપનીની જાળમાં ફસાઈને, સૃષ્ટિએ પહેલા તેમના ખાતામાં 200 રૂપિયા જમા કરાવ્યા, ત્યારબાદ રકમ વધારીને તેને પરત કરવામાં આવી હતી. આ પછી તેણે લાલચમાં આવીને ફરી તેમાં 3000 રૂપિયા જમા કરાવ્યા. તે રકમ પણ વધીને પરત મળી હતી.

આ પછી બીએસસીની વિદ્યાર્થિની સૃષ્ટિ જૈન સાયબર ઠગની જાળમાં ફસાઈ ગઈ. તેણે પહેલા 30 હજાર રૂપિયા, પછી 65 હજાર રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા. તેણે આટલા પૈસા જમા કરાવતા જ સાયબર ઠગોએ તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો. પૈસા પણ પાછા ન આવ્યા. સૃષ્ટી સમજી ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તેણે સમગ્ર મામલો તેના પિતાને જણાવતા તેના પિતાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર સેલના પ્રભારી સંજય પાંડેએ જણાવ્યું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સતત લોકોની વચ્ચે જઈને જાગૃત કરે છે. એટીએમ પિન, ઓટીપી અથવા બેંક ખાતાની વિગતો કોઈને આપવી જોઈએ નહીં.

સાયબર ક્રાઈમનો આંકડો સતત વધી રહ્યો છે

ફિરોઝાબાદમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, જિલ્લામાં દર આઠ કલાકે એક વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બની રહી છે. ગયા વર્ષે 6 મહિનામાં 550 સાયબર ક્રાઈમ કેસ નોંધાયા હતા. જેમાંથી 350 કેસનો નિકાલ થઈ શક્યો હતો. પોલીસનું માનવું છે કે, ફિરોઝાબાદ હરિયાણા અને રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી તે સાયબર ગુનેગારોનું આસાન નિશાન બની રહ્યું છે. તેને પહોંચી વળવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021ની સરખામણીમાં 2022માં સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ માટે એક નવા પડકાર તરીકે ઉભરી રહ્યો છે. વર્ષ 2022માં દેશભરમાં સાયબર ક્રાઈમના 65893 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં 52974 કેસ નોંધાયા હતા. આ રીતે એક વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમમાં 24.4 ટકાનો વધારો નોંધાયો છે. આમાંના લગભગ 65 ટકા કેસ છેતરપિંડીના છે. એટલે કે 65893 કેસમાંથી 42710 છેતરપિંડીના કેસ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તો 2021 ની તુલનામાં 2022 માં સાયબર ક્રાઇમના કેસમાં બમણો વધારો થયો છે. NCRB અનુસાર, આવા કેસોની સંખ્યા 2021 માં 345 થી વધીને 2022 માં 685 થઈ ગઈ છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં સાયબર ક્રાઈમના માત્ર 166 કેસ નોંધાયા હતા. આ આંકડાઓ જોઈને કહી શકાય કે દેશમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. પોલીસ સાયબર અવેરનેસને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે. સાયબર પોલીસ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ખેડા સિરપકાંડમાં વધુ એક દર્દીએ અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો, હજુ બે દર્દી સારવાર હેઠળ

Back to top button