દાહોદઃ આશ્રમશાળાઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે INDI ગઠબંધને આવેદનપત્ર આપ્યું
દાહોદ, 11 માર્ચ 2024, જિલ્લામાં સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકો તથા વિદ્યા સહાયકોની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણમંત્રી અને કલેકટર સહિતના વિભાગોમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર બહાર લાવવા, બાળકોના શિક્ષણના હિતમાં તેમજ લાયક ઉમેદવારોને નોકરીનો લાભ મળે તેવી રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
શિક્ષણ ભરતીમાં કરાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર
આપ નેતા યુવરાજસિંહે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે શાળામાં શાળાઓ છાત્રાલયો આશ્રમ શાળાઓ સંજેલી તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં આવેલી છે. સંજેલી તાલુકાની અંદર જે શિક્ષણ ભરતીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે. શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજા ધામ સંજેલી દ્વારા સંચાલિત શ્રી રામદેવ આશ્રમશાળા જસુણી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે. અમારો મુખ્ય હેતુ થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ભ્રષ્ટાચાર બહાર લાવવા અને બાળકોના શિક્ષણના હિતમાં તેમજ સાચા લાયક અને લાયકાત ધરાવતો ઉમેદવારોને નોકરીનો લાભ મળે અથવા પસંદગી થાય.
બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારને કડક સજા થવી જોઈએ
સંજેલી તાલુકા આપ તથા કોંગ્રેસ પ્રમુખે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ખોટી રીતે શિક્ષકોની ભરતી કરનાર ટ્રસ્ટ સમિતિ અથવા સરકારને ગેરમાર્ગે દોરનાર ભ્રષ્ટાચારી તત્વોને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થયાનું અમારા ધ્યાને આવ્યું છે. આપ નેતા યુવરાજસિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે સંજેલી તાલુકાના ગરીબ બાળકોનાં મા બાપ બહાર ગામ મજૂરી અર્થે જાય છે. કેટલાક તેઓ તેના બાળકોને આશ્રમશાળાઓ છાત્રાલયના ભરોસે મૂકીને જાય છે બાળકો કેવું ભણે છે તે પૂછવાનું પણ આવા ગરીબ મા બાપ જાણતા નથી.અગાઉની જે કઈ ભરતીઓની સરકારશ્રી દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો સેંકડો આવા બોગસ શિક્ષકો મળી આવે તેમ છે. આવા કૌભાંડી, ભ્રષ્ટાચારીઓને દૂર કરવામાં આવે તેમજ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારને કડક સજા થવી જોઈએ.