રાહુલ ગાંધીને 6 વર્ષના બાળકે પૂછ્યું, ‘તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?’
કિશનગંજ (બિહાર), 31 જાન્યુઆરી: બિહારના કિશનગંજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ દરમિયાન 6 વર્ષના બાળકે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેઓ ક્યારે લગ્ન કરશે. આના પર રાહુલે બાળકને કહ્યું કે અત્યારે હું કામ કરું છું, કામ પૂરું થઈ જશે પછી. બાળકનો પ્રશ્ન સાંભળીને રાહુલને પણ નવાઈ લાગી હતી. બાળકનું નામ અર્શ નવાઝ કૌશર છે અને તે યુટ્યુબ પર બ્લોગ બનાવે છે. અર્શે બ્લોગમાં રાહુલ ગાંધી જોડે વાતચીત કરી હતી અને તેમને ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ તે બાળકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
અર્શે રાહુલ ગાંધી બ્લોગ વીડિયો પણ બનાવ્યો
આ વીડિયો 29 જાન્યુઆરીનો છે, આ દિવસોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા અર્શના વિસ્તારમાં પ્રવેશી ત્યારે તે રાહુલ ગાંધીની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાની યાત્રા આવી પહોંચી ત્યારે અર્શે તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો. અર્શ ન્યાય યાત્રાની બસમાં ચડ્યો અને રાહુલ ગાંધી સાથે 11 મિનિટનો એક બ્લોગ પણ બનાવ્યો હતો. જેમાં બંને એકબીજા જોડે વાતો કરતા નજરે પડે છે. મહત્ત્વનું છે કે, રાહુલ છેલ્લા ત્રણ દિવસથી બિહારમાં છે અને તેમની યાત્રા કટિહાર, પૂર્ણિયા અને કિશનગંજ જિલ્લામાંથી પસાર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, બિહારના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીને જોવા માટે સમર્થકોની મોટી ભીડ ઉમટી રહી છે. લોકો તેમની બિહારી શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે. રાહુલની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં તે માથા પર રૂમાલ બાંધીને ખાટલા પર બેઠા છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણી હતી. ખેડૂતો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘ખેડૂતોને ચારે બાજુથી ઘેરવામાં આવી રહ્યા છે. તમારી જમીન છીનવાઈ રહી છે. તમારી પાસેથી જમીન છીનવીને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને ભેટમાં આપવામાં આવી છે. મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા આસામ અને પશ્ચિમ બંગાળ થઈને બિહારમાં પ્રવેશી છે.
આ પણ વાંચો: પાટલી બદલતાં જ નીતિશ કુમારે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર