વર્લ્ડ

અમેરિકાના ટેક્સાસની ધરા ધ્રુજી, 5.4ની તીવ્રતાનો ભૂકંપ

Text To Speech

અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં મહાકાય ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ગઈકાલે સાંજે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

ટેક્સાસના ઈતિહાસના સૌથી મોટો ભૂકંપ

આ ભૂકંપ ટેક્સાસના ઈતિહાસના સૌથી મોટા ભૂકંપમાંનો એક છે. ગઈકાલે સાંજે રાજ્યના પશ્ચિમ ભાગમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ વિસ્તારમાં તેલ અને ફ્રૅકિંગ પ્રવૃત્તિ થાય છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે ભૂકંપ 5.4ની તીવ્રતાનો હતો અને ગઈકાલે સ્થાનિક સમય અનુસાર સાંજે 5:35 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ મિડલેન્ડના ઉત્તરપશ્ચિમમાં લગભગ 14 માઈલની ઊંડાઈ પર કેન્દ્રિત હતું.

ચોથો સૌથી મજબૂત ભૂકંપ

મિડલેન્ડમાં નેશનલ વેધર સર્વિસ સેન્ટરે ટ્વીટ કર્યું કે ટેક્સાસ રાજ્યના ઇતિહાસમાં આ ચોથો સૌથી મજબૂત ભૂકંપ હતો. કોલોરાડોમાં યુએસજીએસ નેશનલ ભૂકંપ માહિતી કેન્દ્રના ભૂ-ભૌતિકશાસ્ત્રી જાન પર્સલીના જણાવ્યા અનુસાર, તે ટેક્સાસ અને ન્યૂ મેક્સિકોમાં પણ અનુભવાયો હતો.

ગયા મહિને પણ આવ્યો હતો ભૂકંપ

ગત મહિને 16 નવેમ્બરના રોજ પશ્ચિમ ટેક્સાસમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 5.3ની માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર મિડલેન્ડથી લગભગ 95 માઈલ પશ્ચિમમાં નોંધાયું હતું.

Back to top button