- ગોવાણા ગામે વાલોર વાડી વિસ્તારનો આ બનાવ
- બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને તેને બચાવી લેવામાં આવ્યો
- જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રામ રાખે તેને કોણ ચાખે કહેવત યથાર્થ ઠરી છે. જેમાં જામનગરમાં 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમાં 9 કલાકના રેસ્ક્યુ બાદ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે. રાજુના રેસ્ક્યુ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયો છે. જેમાં પરપ્રાંતિય પરિવારનું બાળક રમતા-રમતા બોરમાં પડી ગયુ હતુ.
ગોવાણા ગામે વાલોર વાડી વિસ્તારનો આ બનાવ
ગોવાણા ગામે વાલોર વાડી વિસ્તારનો આ બનાવ છે. વહીવટી તંત્ર, 108, ફાયરની ટીમની સફળ કામગીરી સામે આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં બે વર્ષીય એક બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી હતી. આખરે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને તેને બચાવી લેવામાં આવ્યો
ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ 14 ફૂટ ઊંડો ખાડો ખોદ્યા પછી સાઈડમાંથી પણ હાથેથી બ્રેકર વડે ખાડો ખોદીને બાળકના હાથ સુધી પહોંચી હતી અને રાહતની વાત એ હતી કે બાળક રેસ્ક્યુ ટીમને પ્રતિસાદ પણ આપી રહ્યું હતું. ફાયર બ્રિગેડના રેસક્યુ ટીમ દ્વારા બોરવેલમાં ફસાયેલા બાળકની નજીક પહોંચીને તેનું મોં સાફ કરવામાં આવ્યું અને ઓક્સિજન પણ વધુ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને તેને બચાવી લેવામાં આવ્યો હતો.