પાલનપુર : થરાદ ખાતે ₹ 54.16 કરોડના ખર્ચે નિર્માણ થશે 175 બેડની અત્યાધુનિક હોસ્પિટલ
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
- નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના નિર્માણથી થરાદના જન મનની વાત આજે સાકાર થઈ રહી છે : અધ્યક્ષ શંકર ચૌધરી
- સરહદી આઠ તાલુકાઓ માટે નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ આરોગ્યની સંજીવની બનશે : આરોગ્યમંત્રી ઋષિકેશપટેલ
પાલનપુર 4 માર્ચ 2024 : સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અંદાજીત રૂ.54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પુરી પાડશે. જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.
ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે થરાદ ના જન મનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે. આ હોસ્પિટલનો સંપૂર્ણ જશ થરાદની જનતાને જાય છે. જેમણે મારા પર મુકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે. આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશેકલી સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે. આ હોસ્પિટલમાં MRI/ CITY SCAN, સહિતની સુવિધાઓ ઉભી થશે. આપણી આ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત થયું છે જેની કામગીરી બે વર્ષમાં પુરી થશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણી થી લઈ આરોગ્યની સુવિધાઓ આપી છે જે માટે આપણે એમના ઋણી છીએ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હૉસ્પિટલ સરહદી આઠ તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે. આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે. આજે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે. ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહી છે. રાજ્યમાં 2.40 કરોડ PMJY કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. બનાસના લોકો સ્વમાનભેર જીવન જીવે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં વિકાસના અનેક કામ કર્યા છે જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે.
સાંસદ પરબતભાઇ પટેલે “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ટાંકીને જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં નિર્માણધીન અત્યાધુનિક હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગામડાઓ સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચી છે જેથી ગામડાઓમાં પણ મુશ્કેલીના સમયમાં આરોગ્યની સેવાઓ મળી રહી છે.
આ પ્રસંગે ધારાસસભ્યો પ્રવીણ માળી, માવજી દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ગોવા દેસાઈ, માવજી પટેલ, સંગઠન મહામંત્રી કનુ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન સવસી ચૌધરી, નાયબ નિયામક ડૉ. તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવીન ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ , થરાદમાં ઉપલબ્ધ થનારી મહત્વની સુવિધાઓ
● 54.16 કરોડના ખર્ચે થશે નિર્માણ
● 25 બેડ આઈ.સી.યુ સહિત કુલ 175 બેડ ની સુવિધા
● 4.50 એકરમાં ત્રણ માળની અલ્ટ્રા મોડર્ન પ્રકારની હોસ્પિટલ
● I.C.U, N.I.C.U, SNCU, PICU અને સ્પેશિયલ રૂમની સુવિધાઓ રહેશે
● વિશાળ કોરિડોર, પાર્કિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે
● દર્દીઓના સગાઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થશે
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ, અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું