સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આવેલા બોરવેલમાં પડેલી કિશોરીનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. કલાકોની મહેનત બાદ 12 વર્ષીય મનિષા નામની કિશોરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.મહત્વનું છે કે, 600 ફૂટ ઉંડા બોરવેલમાં 60 ફૂટે કિશોરી ફસાઈ હતી.સ્થાનિક તંત્ર સાથે સેના પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ બાળકીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને કિશોરીને બચાવવા કવાયત હાથ ધરી હતી. જો કે ભારે જહેમત બાદ કિશોરીને હેમખેમ બહાર નીકળવામાં સફળતા મળી છે. કિશોરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા ગ્રામજનોએ અને ટીમે રાહતનો શ્વાસ લીધો
જૂન મહિનામાં પણ એક બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હતું
જૂન મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં 500 ફુટ ઊંડા બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.