ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં 10 કિલોમીટર લાંબી માં અર્બુદાની ભવ્ય શોભાયાત્રા નીકળી

પાલનપુર: વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે માઁ અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે 3 જી ફેબ્રુઆરી થી 5 મી ફેબ્રુઆરી દરમિયાન માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહોત્સવના પ્રારંભે પાલનપુરમાં વાજતે ગાજતે માઁ અર્બુદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

પાલનપુરના માર્ગો પર હાથી ઘોડા ડીજે અને માતાજીના રથનું પરિભ્રમણ

લાલાવાડા ખાતે 10 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન

અર્બુદાની ભવ્ય શોભાયાત્રા-humdekhengenews

પાલનપુર ના માર્ગો પર નિકળેલી આશરે 10 કિમી. જેટલી લાંબી આ ભવ્ય શોભાયાત્રામાં આંજણા સમાજના ભાવિક શ્રધ્ધાળુ ભાઈ બહેનો સહિત આબાલવૃદ્ધ સૌ કોઈ લાખોની સંખ્યામાં જોડાયા હતા. હાથી, ઘોડા સાથેનો માતાજીનો દિવ્ય રથ, જવારાઓ સાથેની 5000 કરતાં વધુ મહિલાઓ, અને લાઈવ ડીજે ના તાલે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ પાલનપુરના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. લાખોની સંખ્યામાં ઉમટેલા ભવિકોથી પાલનપુરના માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

3 થી 5 મી ફેબ્રુઆરી સુધી યોજાનાર ત્રી દિવસીય ધાર્મિક મહોત્સવ

સવારે 7:30 કલાકે પાલનપુર આદર્શ વિદ્યાલય અર્બુદા મંદિરથી નીકળેલી શોભાયાત્રા ગલબા કાકા સર્કલથી સુરેશ મહેતા ચોક થઈ સંજ્ય મહેતા ચોક થી પુન : સુરેશ મહેતા ચોક આવી લાયન્સ હોસ્પિટલ રોડથી રામનગર ચોક થઈ કુંવરબા સ્કૂલથી આદર્શ વિદ્યાસંકુલ આવી નવા ગંજ બજારથી બનાસડેરી થઈ લાલાવાડા યજ્ઞ સ્થળે પહોંચી હતી.

દસ લાખ જેટલા લોકો મહોત્સવમાં ઉમટશે

અર્બુદાની ભવ્ય શોભાયાત્રા-humdekhengenews

શ્રદ્ધા, શક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સમા માં અર્બુદાના રજત મહોત્સવમાં ત્રણ દિવસમાં 10 લાખ કરતાં વધારે ભાવિક શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારવાની સંભાવના છે ત્યારે આયોજન કર્તાઓ દ્વારા વિશાળ પાયે વ્યવસ્થાઓ અને સગવડોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન, યજ્ઞ સ્થળે પ્રદક્ષિણા અને ભોજન પ્રસાદ માટે સ્વયં સેવકોની વિશેષ ટિમો બનાવવામાં આવી છે.

ભોજન પ્રસાદ માટે 800 ડબ્બા ધી વપરાશે

ત્રિદિવસીય રજત મહોત્સવ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓ દર્શને આવવાનો અંદાજ છે. યજ્ઞ સ્થળે આવનાર તમામ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સીધા સામાન માટે અન્નપૂર્ણા સમિતિનું ગઠન કરી ભોજનના સુવ્યવસ્થિત આયોજન માટે ઓડિટરની પણ નિમણૂક કરવામાં આવી છે. ભોજન માટે આંજણા સમાજની બહેનોએ 2 દિવસમાં 140 ગ્રામના 10 લાખથી વધુ લાડુ બનાવી દીધા છે.ત્રણ દિવસમાં દસેક લાખ લોકોને ભોજન પીરસવા 35 થી 40 ટન ઘઉં, 20 ટન ચોખા , 10 ટન તુવેર દાળ , 15 ટન કઠોળ , 7 ટન લીલી શાકભાજી અને 800 ડબ્બા ધીનો ઉપયોગ કરવામાં આવશે.

આંજણા સમાજના 400 ગામોમાં સાફ સફાઈનું આગોતરું આયોજન

માતાજીના મહોત્સવ પ્રસંગે આંજણા સમાજના અગ્રણીઓ દ્વારા દરેક ગામને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમાજના 400 જેટલા ગામોમાં જેસીબી, ટેક્ટર જેવા વાહનો દ્વારા સામુહિક સફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈ સ્વચ્છતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.

આ પણ વાંચો :પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે? ઈમરાન ખાનની ધરપકડ થશે ? ફવાદ બાદ શેખ રશીદની ધરપકડ

Back to top button