પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પાંચમા દિવસે ઉપસ્થિત રહ્યા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, જાણો શું હતું આજે
અમદાવાદ ખાતે આજે મહોત્સવના પાંચમા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્ત મેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયા, મહારાષ્ટ્રના પૂર્વ સ્પીકર અરુણ ગુજરાતી, વાય. એસ રાજન પૂર્વ ચેરમેન – NIT મણિપુર, ગોપાલ આર્ય સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), આલોક કુમાર કાર્યકારી પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ, પંકજ ચાંદે – ફાઉન્ડર વાઇસ ચાન્સેલર કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, અરુણ તિવારી પ્લૅટિનમ જ્યુબિલી મેન્ટર CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, કેશવ વર્મા નિવૃત IAS ઓફિસર અને ચેરમેન હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, બી. સી. પટેલ પૂર્વ ચીફ જસ્ટિસ દિલ્લી હાઈકોર્ટ તેમજ લાલજી પટેલ ચેરમેન ધર્મનંદન ડાયમંડ્સ, લવજી દલિયા ફાઉન્ડર અવધ ગ્રુપ અને દિનેશ નારોલા ડિરેક્ટર શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ સહિતનાઓ ‘ગરુુભક્તિ દિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા વિરલ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી.
ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ
આદર્શ શિષ્ય અને આદર્શ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વણાયેલી અદ્ભુત ગુરુભક્તિના પ્રસંગોનું પાન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચન શ્રેણી અંતર્ગત કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે “ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ છે. પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુભક્ત હતા. આધુનિક યુગમાં તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપી. આજે લાખો ભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ગુરુ ઋણ ચુકવવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં વિરાટ કાર્યો કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.” સભામાં આગળ ‘ગુરુ પરમેશ્વર રે’ કીર્તન દ્વારા અખંડ ભગવાનમય એવા આદર્શ ગુરુના મહિમાને અને પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિને નિરૂપતી સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો
‘ગુરુભક્તિનો આદર્શ’ વિષય પર BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કરેલાં સર્જનોની પાછળ રહેલી ગુરુભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો. ‘આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ વીડિયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ગુરુભક્તિ વિષયક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કઈ રીતે એક આદર્શ શિષ્ય બની ગુરુભક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પડ્યું હતું તેના પ્રસંગો પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
શું કહ્યું પદ્મશ્રી સવજીભાઈએ ?
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી વિજેતા અને અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે, “મારા માટે આ બહુ ખુશીનો દિવસ છે કે આટલા મોટા સંતો ભક્તો વચ્ચે મારું સન્માન કરવામાં આવ્યું છે. આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાનની હાજરી વગર આ પ્રમુખસ્વામી મહારાજ નગર શક્ય નથી. પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની અલૌકિક શક્તિના લીધે 80,000 સ્વયંસેવકો સમર્પણ કરી શકે છે. મેં 1983 માં જનમંગલ નામાવલી ના 11 લાખ પાઠ કર્યા હતા અને એના ફળસ્વરૂપે મેં અત્યારે સુધી જે જે સંકલ્પો કર્યા એ તમામ સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે એટલી તાકાત ભગવાનના નામમાં છે. ભગવાનની પૂજાના કારણકે હું કુસંગોથી બચ્યો છું.”
બાપાની એક દિવસની હાજરીમાં 80 ઘર સત્સંગી થયા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજને જીવનમાં ઘણીવાર મળવાનું થયું એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે નાની વાવડી ગામમાં 1 દિવસ પધરામણી કરી તેમાં 80 ઘરો સત્સંગી થઈ ગયા એટલો પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ હતો.1982 માં એન્ટબર્ગ એરપોર્ટ પર મેં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યા હતાં તે મને આજે પણ યાદ છે.”
આવતીકાલનો કાર્યક્રમ શું છે ?
આ કાર્યક્રમમાં આવતીકાલે એકેડેમિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો બીજો દિવસ રહેશે. જેનો વિષય International Conference on Ancient Indian texts, Temple Architecture and their contribution to modern practices રહેશે. જેમાં ડો.સચ્ચિદાનંદ જોશી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસ, મંદિર સ્થાપત્યના નિષ્ણાત જી . બી. દેગલુરકર તેમજ શ્રીકૃષ્ણ જુગનુ ભારતીય વાસ્તુવિજ્ઞાનના વિદ્વાન ઉપરાંત બિમલ પટેલ પ્રમુખ CEPT યુનિવર્સિટી અને અન્ય અનેક આર્કિટેક્ટસ જીતેન્દ્ર પટેલ, રવીન્દ્ર વસાવડા, સ્નેહલ શાહ, સી. બી. સોમપુરા, યતીન પંડયા હાજર રહી શકે છે.