જાણો શું છે સૂર્યના સાત અશ્વનુ રહસ્ય?
ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર છે. આ સાત ઘોડા શું છે અને તેમનુ શું મહત્વ છે. આ અંગે અલગ-અલગ પુરાણોમાં અનેક મંતવ્યો આપવામાં આવ્યા છે. કુર્મ પુરાણ મુજબ સૂર્ય ભગવાન તમામ ગ્રહોના રાજા છે અને તેમના રથને લગાડવામાં આવેલા સાત ઘોડા વિવિધ ગ્રહોને ઊર્જા પ્રદાન કરે છે. આ ઘોડાઓને રશ્મીઓ કહેવામાં આવે છે. એટલે કે, સૂર્યના સાત કિરણો છે જે વિવિધ ગ્રહોને ઊર્જા અને ઉષ્મા પ્રદાન કરે છે. વાયુ પુરાણમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે સૂર્યના સાત કિરણો ગ્રહો અને રત્નોને પોષણ આપે છે. આ સાત કિરણો સુષુમ્ના, હરિકેશ, વિશ્ર્વકર્મા, વિશ્ર્વશ્રવ, સંયદ્વસુ, અર્વાગ્વસુ અને સ્વરાટ છે. આમાંથી પ્રથમ સુષુમ્ના નામના કિરણોમાંથી સૂર્ય પોતે ઊર્જા મેળવે છે. આ કિરણને કારણે જ સૂર્ય ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે.
સુષુમ્ના: આ સૂર્યનુ રક્ત રંગનુ કિરણ છે. સૂર્ય આમાંથી ઊર્જા મેળવે છે તેથી સૂર્યના રશ્મિપુંજમાં 80 ટકા પ્રકાશ કિરણોમાં માત્ર રક્તવર્ણી રશ્મીઓનો સમાવેશ થાય છે. તેમાંથી ગરમી નીકળે છે, જે વ્યક્તિની ત્વચા દ્વારા સંપૂર્ણ રીતે શોષાય છે. માનવ ત્વચાનો રંગ આ કિરણોને કારણે છે.
હરિકેશ: સૂર્યના હરિકેશ નામના રશ્મિમાંથી ચંદ્રમા ઊર્જા મેળવે છે. આ કિરણમાંથી જ મોતી રત્નનુ સર્જન થયુ હતુ. તે કિરણ નક્ષત્રોનુ મૂળ સ્થાન પણ છે. તેથી જ ચંદ્ર તમામ 27 નક્ષત્રોની મુલાકાત લઈને તેનુ એક ચક્ર પૂર્ણ કરે છે. આ રશ્મિનો સ્વભાવ શીતલ હોય છે.
સયદ્વસુ: આ રશ્મિ મંગળનુ પોષણ કરે છે. તેને પરવાળા અથવા મૂંગાએ ધારણ કર્યુ છે. એટલા માટે પરવાળુ પહેરવાથી મંગળ સંબંધિત દોષ દૂર થાય છે.
વિશ્વકર્મા: બુધ ગ્રહ આ કિરણમાંથી ઊર્જા મેળવે છે. તેનો રંગ લીલો છે. આ રંગ ખાસ કરીને આંખો અને ત્વચા માટે ઉપયોગી છે. નીલમણિ ધારણ કરવાથી લોહી, પિત્ત, રક્તપિત્ત વગેરે રોગોમાં વિશેષ લાભ થાય છે. આ કિરણથી મગજની ગરમી શાંત થાય છે. મહત્વાકાંક્ષા વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે.
અર્વાગ્વસુ: ગુરુની ઉત્પત્તિ સૂર્યના આ કિરણમાંથી હોવાનુ માનવામાં આવે છે. ગુરુ તેના કિરણોમાંથી ઊર્જા મેળવે છે. આ રાશિની અસર પોખરાજ અથવા પુષ્પરાજ નામના રત્ન પર થાય છે. કૂર્મ પુરાણમાં આ રશ્મિને અર્વાવસુ કહેવામાં આવી છે.
વિશ્વશ્રવ: શુક્રનુ પોષણ આ કિરણથી થાય છે. આ કિરણ હીરાને ઉર્જા આપે છે. શુક્રના 16 કિરણો જણાવવામાં આવ્યા છે.
સ્વરાટ: આ કિરણ શનિનુ પોષણ કરે છે. કુર્મ પુરાણમાં તેને સ્વર રશ્મી પણ કહેવામાં આવે છે. શનિનુ રત્ન નીલમ છે. તે નીલમને ઉર્જા આપે છે.