પાલનપુર : ‘પઠાણ’ ફિલ્મ પ્રદર્શિત કરવા સામે થરાદમાં રોષ સાથે વિરોધ
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું
પાલનપુર : ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણ નો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ પણ થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં પઠાણ ફિલ્મને ગુજરાતમાં દર્શાવવામાં ના આવે તે માટે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પઠાણ ફિલ્મનો હીરો શાહરૂખ ખાન છે અને અભિનેત્રી દીપિકા પાદુકોણ છે. જે જેએનયુની ટુકડે ટુકડે ગેંગની સદસ્ય છે.
આ ફિલ્મમાં જે ગીત દર્શાવવામાં આવ્યું છે, જેમાં ભગવા કલરની બિકીની અને વલગર કપડાં પહેરીને દીપિકા પાદુકોણ સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કરી રહી છે.
ગીતના શબ્દો પણ બેશર્મ રંગ એટલે ભગવો રંગ પણ શરમ વગરનો છે, આજ તાત્પર્ય થાય તો લોકોએ સબક શીખવાડવો તે હિન્દુ નાગરિકોની ફરજ છે. તેમ જણાવીને હિંદુ ધર્મ અને લોકોની લાગણી દુભાવનાર ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર અને એક્ટ્રેસ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તેમજ આ ફિલ્મ ગુજરાત કે ભારતના અન્ય કોઈ રાજ્યોમાં દર્શાવવામાં આવે નહીં તેવી પણ માગણી સાથે ફિલ્મનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : મોરબી પાલિકાના સભ્યોના ગાંધીનગરમાં ધામાં, સુપરસીડ અંગે CMને રજૂઆત કરવા પહોચ્યાં