લો બોલો ! હવે આ મંદિરમાં મહાદેવ પર જળાભિષેક કરવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ
કહેવાય છે કે મહાદેવને સતત જળથી ભીંજાવુ ખૂબ જ ગમે છે, તેથી ઘણા શિવાલયોમાં મહાદેવ પર અવિરત જળાભિષેક કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જળ એ પ્રકૃત્તિ દ્વારા આપેલું મુખ્ય અને મુફ્ત તત્વ છે, જેની પર તમામ જીવોનો અધિકાર છે. પરંતુ, તમે ક્યારેય એવું સાંભળ્યુ કે મહાદેવના મંદિરમાં જળાભિષેક કરવા માટે પૈસા ચૂકવવા પડે ? જો આવુ હોય તો ખરેખર કળયુગ તેનો પરચો બતાવી રહ્યો છે. આવો જ એક નિર્ણય રાજકોટ જિલ્લામાં આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
આ પણ વાંચો : શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે જૈન સમાજ ઉમટ્યું, રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદ
રાજકોટના ઘેલા સોમનાથ મંદિર દ્વારા લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જળાભિષેક કરવા માટે ચાર્જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય લીધા બાદ મહાદેવના ભક્તોમાં આક્રોશ જેવા મળી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણય લેવાથી સ્થાનિકો અને જિલ્લાભરના લોકોમાં વિરોધનો સુર ઉભો થઈ રહ્યો છે. જાણવા મળ્યું છે કે જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટે સાથે મળીને આ નિર્ણય લીધો છે.
જળાભિષેક કરવા માટે 351 રૂપિયા આપવા પડશે
જસદણના નાયબ કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. મંદિરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે મંદિરમાં દર્શન માટે પધારતા શિવભક્તોને નમ્ર વિનંતી છે કે જો આપ જળ અભિષેકનો લાભ લેવા ઈચ્છતા હોવ તો રુ. 351ની પાવતી કાર્યાલયમાંથી મેળવી પુજારીને આપવી. આ સૂચના વાંચ્યા બાદ મહાદેવ ભક્તો નારાજ થયાં છે. બીજી તરફ જસદણમાં આ મંદિર દ્વારા જળાભિષેક માટે પહોંચ લેવાનો નિર્ણય પરત લેવામા નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાથી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
આ નિર્ણય ધર્મ વિરૂદ્ધ
આ નિર્ણયને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું હતુ કે, મંદિર અને તંત્રનો નિર્ણય ધર્મ વિરૂદ્ધ અને ખોટો છે. આ મંદિર એક યાત્રાધામ છે અને નાના માણસો પાસેથી 351 રૂપિયા લેવા એ વ્યાજબી વાત નથી. ઘેલા સોમનાથ મંદિરે દૂર-દૂરથી આવતા ભાવિકોને દાદાની પૂજા-અર્ચના અને જળાભિષેક કરવાનો પૂરો લાભ મળવો જ જોઈએ. તેનો કોઈ ચાર્જ હોવો જ ન જોઈએ.