કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામ ખંભાળિયામાં ખેડૂતોની જણસીના રૂ.89 લાખનું ફુલેકું ફેરવી વેપારી ગાયબ

Text To Speech

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ તાલુકાના જ આહીર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ વેપારી તાલુકાના જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી જણસી ખરીદી રૂ.88.95 લાખની છેતરપિંડી આચરી નાસી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને જામ ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જણસી વેંચાણના રૂપિયા આઠ દિવસમાં આપવાના હતા

આ બનાવ અંગે મળતી વિગત મુજબ જામ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા મુરુ લખુભાઈ કરમુર નામનો શખસ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકાના જુદા જુદા ગામડાઓમાં જઈ ચણા અને મગફળી સહિતની જણસીઓનો વેપાર કરતો હતો. ગત તારીખ 1/11 થી 26/11 સુધીના ગાળા દરમિયાન આ વેપારીએ 25 દિવસમાં વડાલીયા સિંહણ તથા આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતોની ચણા અને મગફળીના પાકની ખરીદી કરી હતી. આ જણસી ખરીદી કર્યા બાદ અઠવાડિયાના સમયગાળામાં રૂપિયા ચૂકવી આપવા વેપારીએ વાયદો કર્યો હતો. પરંતુ આ સમય વીતી જવા છતાં વેપારીએ પૈસા નહીં ચૂકવતા જુદા જુદા ગામડાઓમાંથી પૈસાની માંગ ઉઠવા પામી હતી.

ઉઘરાણી વધી જતાં મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો

દરમિયાન ખેડૂતોની ઉઘરાણી વધી જતા આખરે વેપારી મોબાઈલ સ્વીચ ઓફ કરી અજ્ઞાત સ્થળે નાસી ગયો હતો. જેને લઇને તાલુકાના ગામડાના ખેડૂતોએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના આધારે વડાલીયા સિંહણ ગામના ખેડૂત લખુભાઈ છુછરએ ગઈકાલે ખંભાળિયા પોલીસ દફતરમાં આરોપી મુરૂભાઈ કરમુર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના સહિત જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી આ વેપારીએ રૂપિયા 88,95,735 નો મગફળી અને ચણાનો વેપાર કરી પૈસા નહીં ચૂકવી ક્યાંક નાસી ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Back to top button