LPG ગેસ ડિલરો આનંદો: હવે નહીં ચાલે પુરવઠા અધિકારીઓ મનમાની
રાજ્ય સરકારે ગેસ સિલિન્ડર વિતરણ માટેના લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગેસ એજન્સીઓએ લાયસન્સ લેવુ પડશે નહીં. રાજ્ય સરકાર દ્વારા 1991ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે. હવે કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે. કોઈ પણ LPGના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. તેના આધારે ડીલર્સ રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના સિલિન્ડર આપી શકે છે. જો કે આ પ્રક્રિયા દરમિયાન ક્યારેય જો ગેસના સિલિન્ડરને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. પરંતુ, સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે LPG ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો LPG ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ગેસ ડિલરો વધાવી રહ્યા છે.
પ્રતિ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી
પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા લીટર અને ડીઝલ પર 6 રૂપિયા લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા સ્કીમ વાળા સિલિન્ડરો પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળશે. દેશમાં ઉજ્જલવા યોજનાના 9 કરોડથી વધારે લાભાર્થીઓ છે. સરકારે 1.10 લાખ કરોડ રૂપિયાથી વધારે સબસિડી ફર્ટિલાઈઝર્સ પર આપી છે. આ સબસિડી પહેલાથી મળી રહેલી 1.05 લાખ કરોડ રૂપિયાની સબસિડીથી અલગ હશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની શક્યતા નહીં
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે. પરંતુ, ગુજરાતની સરકાર દ્વારા હજુ સુધી વેટમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ભૂપેન્દ્ર સરકાર પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડે તેવી ગુજરાતની જનતા આશા રાખી રહી છે. પરંતુ, ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તેવી શક્યતાઓ નહીંવત છે. કારણકે, દેશના 12 રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર હવે પેટ્રોલ-ડીઝલના ભાવ તો ઘટાડો તેવું લાગતું નથી પણ આગામી સમયમાં CNGના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે.