થાનનાં નવાગામમાં નવ મહિનાની બાળકીને ટૂંપો આપી હત્યા કર્યા બાદ માતાનો પણ આપઘાત
સુરેન્દ્રનગરઃ થાન તાલુકાના નવાગામમાં હૈયુ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કોળી પરિવારની પરિણીતાએ નવ મહિનાની બાળકીને ગળેટૂંપો આપી દીધા બાદ પોતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સંયુકત પરિવારથી અલગ રહેવાની જીદ અને ઘરકંકાશના કારણે આ ઘટના બની છે. આ મામલે થાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
થાનનાં નવાગામમાં રહેતાં અને દૂધ ભરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભીની પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવુબેન ડાભી (ઉ.વ.23)ને સંયુકત પરિવારમાં રહેવા માટે પતિ સાથે અવાર-નવાર માથાકૂટ થતી હતી ભાવુબેનને સાસુ-સસરા તેમજ ભાઇઓના સંયુકત પરિવારમાં ન રહેવું હોય જેથી અવાર-નવાર ઝઘડા થતાં હોય જેના પગલે દંપતીના લગ્નજીવનમાં કંકાશ ઉભો થતો હોય દરમિયાન ગઇકાલે ભાવુબેનનાં પતિ રાજેશભાઇ દૂધ ભરવા માટે ગયા હોય ત્યારે આવેશમાં આવી ગયેલા ભાવુબેને પોતાની નવ મહિનાની દિકરી નિહારીકાને ગળે દોરી બાંધી ટૂંપો આપી દઇ તેની હત્યા કરી નાખી હતી. ફૂલ જેવી દિકરીને મોતને ઘાટ ઉતારી દીધાનું લાગી આવતાં ભાવુબેને પોતે પણ દોરીથી રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિ રાજેશભાઇ દૂધ ભરીને ઘરે આવ્યા ત્યારે દરવાજો ખટખટાવતા પત્ની ભાવુબેને દરવાજો ન ખોલતાં તેને કંઇક અજુગતું થયુ હોવાનું લાગતા તેણે દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરતા જ સામે જ પત્ની ભાવુબેન લટકતી હાલતમાં જોવા મળતાં તુરંત જ બૂમાબૂમ કરી પરિવારજનો અને આસપાસના રહેવાસીઓને બોલાવી તપાસ કરતા ભાવુબેનનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતુ.
દરમિયાન તેણે પાસે સૂતેલી દિકરી નિહારીકાને જોતા તે પણ મૃત્યુ પામી હોય અને તેના ગળામાં દોરી હોય જેથી તેને ટૂંપો આપી ભાવુબેને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતુ. આ ચકચારી પ્રકરણની જાણ થતાં થાન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી બનાવના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત પણ નવાગામ દોડી આવ્યા હતા અને આ પ્રકરણમાં પોલીસે મૃતક ભાવુબેનના પતિ રાજેશભાઇનું નિવેદન લેતાં તેણે જણાવ્યું હતુ કે, પત્નીને ઘણા સમયથી સંયુકત પરિવારમાં નહીં રહેવા માટે માથાકૂટ થતી હતી અને આ માથાકૂટમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોય તે બોલાચાલીના આવેશમાં આવી તેણે આ પગલું ભરી લીધું હતુ.
આ મામલે પોલીસના જણાવ્યા મુજબ મૃતક ભાવનાબેન ઉર્ફે ભાવુબેન રાજેશભાઇ ડાભી (ઉ.વ.23)ના લગ્નને ચાર વર્ષ થયા હતા તે મૂળ મૂળી તાલુકાના દાધોરિયા ગામના રહેવાસી છે અને તેના પિતાનું નામ વાઘજીભાઇ જેજરિયા છે. મૃતકના પતિ રાજેશભાઇ દૂધનો ધંધો કરે છે. હાલ ભાવુબેનનાં મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર તેમજ મૃતક નિહારીકાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.