આજે FIFA WCની ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે મહામુકાબલો, જાણો બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
ફૂટબોલ પ્રેમીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આખરે આજે આવી ગયો છે. કતાર ખાતે રમાઈ રહેલ ફિફા વર્લ્ડ કપ 2022નો આજે ફાઈનલ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે, આજે 2 વખત ચેમ્પિયન રહી ચૂકેલુ આર્જેન્ટિના ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે ટકરાવા જઈ રહ્યુ છે. ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આજે કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં વિશ્વના અલગ અલગ દેશોના ખ્યાતનામ ચેહરાઓ હાજર રહેશે. ફૂટબોલ પ્રેમીઓ તેમજ મેસ્સી અને આર્જેન્ટિનાના ચાહકો માટે આ મેચ એકદમ સ્પેશિયલ રહેશે, કારણ કે આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લી મેચ હશે.
આ પણ વાંચો : ફ્રાન્સ પાસે 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો મોકો, રવિવારે મહામુકાબલો
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે થશે કાંટાની ટક્કર
ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ ઉપરાંત બંને ટીમ પાસે ઈતિહાસ રચવાની એક મોટી તક હશે, કારણ કે ટ્રોફી જીતનારી ટીમ વિશ્વની એક માત્ર એવી ટીમ હશે કે જેની પાસે આ વર્લ્ડ કપનું ત્રીજું ટાઇટલ હશે. કહેવામાં આવી રહ્યુ છે કે ફ્રાન્સની ટીમ પાસે 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની પણ તક છે. ફ્રાન્સ જો આ મેચ જીતે તો તે 60 વર્ષમાં સતત બીજી વખત ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની શકે છે.
It all comes down to this ???? #FIFAWorldCup #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 17, 2022
ફ્રાન્સ અને આર્જેન્ટીનાનો હેડ ટુ હેડ રેકોર્ડ
અત્યાર સુધી આર્જેન્ટિના અને ફ્રાન્સ ફૂટબોલના મેદાન પર 12 વખત ટકરાયા છે. આમાં આર્જેન્ટિનાએ 6 મેચ જીતી છે. ફ્રાન્સે માત્ર 3 મેચ જીતી છે અને 3 ડ્રો રહી છે. બંને વચ્ચે પહેલી મેચ 1930માં પ્રથમ વર્લ્ડ કપમાં થઈ હતી, જેમાં આર્જેન્ટિનાએ 1-0થી જીતી મેળવી હતી. જ્યારે આર્જેન્ટિના સામે ફ્રાન્સે તેની પ્રથમ જીત 1971માં આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં મળી હતી. ફ્રાન્સે તે મેચ 4-3થી જીતી હતી.
ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે અત્યાર સુધીની મેચો
15 જુલાઈ 1930 – આર્જેન્ટિના 1-0થી જીત્યું
3 જૂન 1965 – મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ
8 જૂન 1971 – ફ્રાન્સ 4-3થી જીત્યું
12 જાન્યુઆરી 1971 – આર્જેન્ટિના 2-0થી જીત્યું
25 જૂન 1972 – મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ
18 મે 1974 – આર્જેન્ટિના 1-0થી જીત્યું
26 જૂન 1977 – મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ
06 જૂન 1978 – આર્જેન્ટિના 2-1થી જીત્યું
26 માર્ચ 1986 – ફ્રાન્સ 2-0 થી જીત્યું
07 ફેબ્રુઆરી 2007 – આર્જેન્ટિના 1-0થી જીત્યું
11 ફેબ્રુઆરી 2009 – આર્જેન્ટિના 2-0 થી જીત્યું
30 જૂન 2018 – ફ્રાન્સ 4-3 થી જીત્યું
છેલ્લી મેચ ફ્રાન્સે જીતી હતી
આજની મેચ પહેલાં બંને ટીમો 2018માં ટકરાયા હતા. ફિફા વર્લ્ડ કપ 2018માં બંને ટીમો વચ્ચેના મુકાબલામાં ફ્રાન્સનો 4-3થી વિજય થયો હતો. તે ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ હતી. ફ્રાન્સ તરફથી કૈલિયન એમબાપ્પેએ બે ગોલ કર્યા હતા. તે આ વખતે પણ ટીમનો ભાગ છે. ટુર્નામેન્ટમાં 5 ગોલ પણ કર્યા છે. તે મેચમાં મેસ્સી એકપણ ગોલ કરી શક્યો ન હતો. પરંતુ આ વખતે શાનદાર લયમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં સ્પર્ધા રોમાંચક રહેવાની આશા છે.
મેસ્સી અને એમબાપ્પે વચ્ચે થઈ શકે છે મહામુકાબલો
આ મેચમાં આર્જેન્ટિના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કેપ્ટન કૈલિયન એમબાપ્પે વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે, આ બંનેના આ વર્લ્ડ કપના રેકોર્ડ પર નજર કરીએ તો વર્લ્ડ કપ 2022માં એમ્બાપ્પે અને મેસ્સીના રેકોર્ડ પર નજર કરીએ તો બંને એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળે છે. મેસ્સી આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી ચૂક્યો છે અને તેણે 5 ગોલ કર્યા છે. આ સાથે તેણે 3 આસિસ્ટ પણ આપ્યા છે. મેસ્સીએ વર્લ્ડ કપ 2018માં માત્ર એક ગોલ કર્યો હતો. બીજી તરફ, એમ્બાપ્પેએ 6 મેચ રમીને 6 ગોલ કર્યા છે અને 2 આસિસ્ટ આપ્યા છે.
વર્લ્ડ કપમાં બંને ટીમોની અત્યાર સુધીની સફર
ફિફા વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સની સફર પર નજર કરીએ તો તેણે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. તે એકદમ રસપ્રદ મેચ હતી. આ પછી ફ્રાન્સે સેમિફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ જીત સાથે ફ્રાન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી, તેણે સેમિફાઇનલમાં ક્રોએશિયા પર 3-0થી જીત મેળવી હતી.