ભારતે જીત્યો T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશને હરાવી રચ્યો ઈતિહાસ
ભારત આ વર્ષે T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે, અત્રે વાત થઈ રહી છે ભારતની નેત્રહિન પુરુષ ટીમની. આ વર્ષે ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ ભલે વર્લ્ડ કપ જીતી શકી ન હોય, પરંતુ ભારતની નેત્રહિન પુરુષ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં ભારતનું નામ રાખ્યું છે. ભારતમાં રમાઈ રહેલા ત્રીજા બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને 120 રનના મોટા માર્જિનથી હરાવીને ટાઈટલ જીત્યું છે. આ રીતે ભારતે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સતત ત્રીજી વખત ટાઈટલ પોતાને નામે કરી હેટ્રિક ફટકારી છે.
આ પણ વાંચો : IND vs BAN TEST : ચોથા દિવસના અંતે બાંગ્લાદેશ 272/6, ભારતને જીત માટે 4 વિકેટની જરૂર
બાંગ્લાદેશને 120 રનના મોટા માર્જિનથી હરાવ્યું
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 2 વિકેટના નુકસાને 277 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રમેશે અણનમ 163 રન બનાવ્યા જ્યારે અજયે 100 રન ઉમેર્યા અને અંત સુધી અણનમ રહ્યો હતો. આટલા મોટા ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમે ઘણી કોશિશ કરી હતી પરંતુ રન રેટ જાળવી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમે 3 વિકેટે 157 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ટાઈટલ મેચ 120 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.
#TeamIndia beat Bangladesh by 120 runs to clinch the 3rd #T20WorldCup ????.
????: @ddsportschannel #BlindCricket???? | #INDvBAN pic.twitter.com/AKwH3fIkN7
— All India Radio News (@airnewsalerts) December 17, 2022
પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નથી
આપને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નથી. પડોશી દેશની બ્લાઈન્ડ ટીમ વિઝાની સમસ્યાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર રહી ગઈ હતી, જેના કારણે શરૂઆતમાં વિવાદ પણ થયો હતો.
સેમીફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું
6 દેશો વચ્ચે શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ લીગ રાઉન્ડની મેચોમાં પ્રથમ સ્થાન મેળવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. સેમી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 207 રનના વિશાળ માર્જિનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી, જ્યારે બાંગ્લાદેશ બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવી ફાઈનલમાં પહોંચ્યુ હતું.
ભારતે રચ્યો ઈતિહાસ
આજે બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ જીતવાની સાથે ભારતે ઈતિહાસ રચી દીધો છે. બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપની ત્રણેય એડિશનમાં ભારતે જ ટાઇટલ જીત્યું છે. સૌપ્રથમ 2012માં પ્રથમ વખત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતે ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2017માં યોજાયેલી બીજી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે 2022માં પણ ભારતે આ ટૂર્નામેન્ટ જીતીને પોતાની હેટ્રિક પૂરી કરી છે.