ગુજરાત : 2008 બ્લાસ્ટના આરોપીઓની માહિતી આપનારને અપાશે ઈનામ, પોલીસવડાની જાહેરાત
અમદાવાદ ખાતે વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ફરાર થયેલા ચાર આરોપીઓની માહિતી આપનારને 2 લાખ રૂપિયા જેટલી માતબાર રોકડ રકમના ઇનામ આપવાની જાહેરાત રાજ્યના પોલીસ વિભાગના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત જે લોકો અંગે માહિતી આપનાર છે તેઓના નામ પણ ગુપ્ત રાખવાની તેમના દ્વારા ખાતરી અપાઈ છે.
ચાર આરોપીઓ છે હજુ ફરાર
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં હજુ સુધી 4 જેટલા આરોપીઓ ફરાર છે. આ તમામ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે આખરે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ રોકડ ઇનામની જાહેરાત કરી છે. જે કોઈ પણ વર્ષ 2008ના અમદાવાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટના ફરાર રહેલા 4 આરોપીઓની માહિતી આપશે કે તેઓની ભાળ આપશે તેમને ઇનામ સ્વરૂપે 2 લાખ રૂપીયાની માતબાર રકમ આપવામાં આવશે તેમ કહ્યું હતું. DGP ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બોમ્બ બ્લાસ્ટમાં સંકળાયેલા આરોપીઓને કોઈ પણ ભોગે શોધવા જરૂરી છે. કેસના ચાર ફરાર આરોપીઓની ધરપકડ દેશની સુરક્ષા અને શાંતિ ખુબ જ જરૂરી છે.