ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં એલિવેટેડ બ્રીજ નીચે ખાડા અને થીગડાવાળા રોડથી વાહન ચાલકો પરેશાન

Text To Speech

પાલનપુર : ડીસામાં બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બન્યા બાદ પણ વાહન ચાલકોની મુશ્કેલીઓ હલ થઈ નથી. બ્રિજ ના કામ દરમિયાન નીચે રોડ પર પડેલા ખાડા અને થીગડા પર રિસરફેસીંગ ન કરતા દરરોજ 30 હજાર થી પણ વધુ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાત કરી બ્રિજ નીચેના રોડનું રિસરફેસિંગ તેમજ બ્રિજ ના પીલરોની એનજીઓ મારફતે પેઇન્ટિંગ કરી તેમ જ નીચે ગાર્ડનિંગ કરી સુશોભિત કરવાની બાહેધરી આપી હતી.

એલિવેટેડ બ્રીજ -humdekhengenews

NHAI સાથે વાત કરી રોડનું રીસર્ફેસિંગ અને NGO મારફતે બ્રીજના પીલ્લરને સુશોભિત કરાવવાની ધારાસભ્યની બાંહેધરી

ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકારે બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો પોણા ચાર કિલોમીટરનો એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે.બ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા તો હલ થઈ ગઈ પરંતુ બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બ્રિજની કામગીરી દરમિયાન નીચે મોટા ખાડા પડી ગયા હતા. જેથી કોન્ટ્રાક્ટરે બ્રીજની નીચે પડેલા ખાડાઓ પૂરી તેના પર રીસરફેસિંગ કરવાનું હોય છે. પરંતુ આ કોન્ટ્રાક્ટરે માત્ર નાના-મોટા થીગડા પુરી રીસરફેસિંગ ન કરતા બ્રિજ નીચેથી પસાર થતા રોજના 30 હજારથી પણ વધુ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.

ડીસામાં બ્રિજ બન્યાને લગભગ બે વર્ષ જેવો સમય થયો છે, અને કોન્ટ્રાક્ટરે જ રીસરફેસિંગની કામગીરી કરવાની હોય છે. પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી કામ કર્યું નથી. તેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી એ પણ અત્યાર સુધી ચાર વખત નોટિસ ફટકારી છે. તેમ છતાં પણ આ બેદરકાર કોન્ટ્રાક્ટરે હજુ સુધી રોડનું સમારકામ ન કરાવતા ડીસા વાસીઓ બ્રિજને લીધે સગવડને બદલે અગવડ ભોગવી રહ્યા છે.

આ અંગે ડીસાના નવીન ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો સાથે વાતચીત કરી બ્રિજ નીચેના બિસ્માર રોડને રીસરફેસિંગની કામગીરી ઝડપી કરાવવાની વાત કરી છે. સાથે સાથે NGO સાથે વાતચીત કરી બ્રિજના પીલરોને સુશોભીત કરવાની તેમજ વચ્ચેના ડિવાઈડરમાં ગાર્ડનિંગ કરવાની પણ બાંહેધરી આપી છે.

Back to top button