આસામમાં હાથીઓ રસ્તા પરઃ સત્તર મહિનાની બાળકી સહિત ત્રણના મોત
આસામના ગોલપારામાં જંગલી હાથીઓએ ગઇ કાલે ઉત્પાત મચાવ્યો હતો. અહીં હાથીઓનું એક ઝુંડ જંગલમાંથી અચાનક રસ્તા પર આવી ગયું, ત્યાર બાદ હાથીઓએ જે કર્યું તેની કલ્પના કરીને પણ રૂંવાડાં ઊભાં થઇ જાય. પહેલાં હાથીઓએ ત્યાંથી પસાર થઇ રહેલી ઓટો પર હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલા હાથીઓએ ઓટોને પલટી દીધી હતી.
ઓટોમાંથી ઊતરીને સવારી આમ તેમ ભાગી પોતાને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. ઘટના સ્થળે લોકોની ચીસો સંભળાવા લાગી. અફરાતફરીનો માહોલ મચી ગયો. આ જોઇને આસપાસમાંથી પસાર થઇ રહેલા લોકો ત્યાં મદદ માટે આવ્યા. હાથીઓ આટલેથી ન રોકાયા. તેમણે ત્યાંથી પસાર થતી મારુતિ સ્વિફ્ટને નિશાન બનાવી અને તેને જોરદાર ટક્કર મારી. આ કારણે કારનો એક ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો. આ હુમલામાં એક 17 મહિનાની બાળકી સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે.
ત્યાર બાદ કોઇ પણ પ્રકારે આસપાસના લોકોએ હાથીને ભગાડીને જંગલમાં પાછા મોકલ્યા. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. લખીપુરનાં વન પરિક્ષેત્ર અધિકારી ધ્રુબા દત્તાએ જણાવ્યું કે ગોલપારામાં આજે જંગલી હાથીઓના હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. બે અન્ય ઘાયલ થયા છે. અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં બે વાહન પણ ક્ષતિગ્રસ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે આસામમાં જંગલી હાથી જાનમાલને નુકસાન કરતા રહે છે. પ્રશાસન હાથીઓને મુખ્ય માર્ગેથી દૂર રાખવા માટે વાડ લગાવીને વ્યવસ્થા કરે છે, પરંતુ હજુ સુધી આ ત્રાસમાંથી મુક્તિ મળી નથી.
આ પણ વાંચોઃ “દારૂ પીને લોકો મરી જશે અને અમે વળતર આપીશું? સવાલ જ ઊભો નથી થતો”