ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. આજે બપોરે અમિત શાહ પોતાના મતક્ષેત્ર હેઠળના સાત ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાનારી આ બેઠકમાં સાતેય વિધાનસભામાં ચાલી રહેલા વિકાસના કામો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા રોડમેપ તૈયાર કરવામાં આવી શકે તેવું અનુમાન છે.
આજે બપોરે મળશે બેઠક
બપોરે દોઢ વાગ્યા આસપાસ અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસમાં મળનારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. જે ગૃહમંત્રી અમિત શાહના સંસદિય મતક્ષેત્ર હેઠળના સાત વિધાનસભા ક્ષેત્રો પૈકી એક છે. ઘાટલોડિયા ઉપરાંત કલોલ, ગાંધીનગર ઉત્તર, સાબરમતી, નારણપુરા, વેજલપુર અને સાણંદ વિધાનસભા પણ અમિત શાહના સંસદિય મતક્ષેત્રનો હિસ્સો છે.
પહેલીવાર કલોલ અને ગાંધીનગર ઉત્તર સહિત સાતેય વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. અમિત શાહના સંસદિય મતક્ષેત્રોમાં મેટ્રો રેલ, નારણપુરા અને સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નવું રેલવે સ્ટેશન સહિત અનેકવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. એટલું જ નહીં, આ બન્ને મતક્ષેત્રોમાં હાઉસિંગ વસાહતોના રિ-ડેવલપમેન્ટ સહિતના કેટલાક સ્થાનિક પ્રશ્નોના ઉકેલની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. જેથી, આ બેઠકમાં વિકાસના કામો, પ્રશ્નોના નિરાકરણની દિશામાં રોડમેપને આકાર અપાઈ શકાય તેમ છે.