પંજાબ : પાક.થી ડ્રોન મારફત મોકલવાયેલું કરોડોનું ડ્રગ્સ ઝડપાયું, પરત જતા ડ્રોન પર સેનાએ કર્યું હતું ફાયરિંગ
પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ પાકિસ્તાન પરત ફરી રહેલા ડ્રોન પર છ ગોળીઓ વરસાવી હતી. પોલીસ અને બીએસએફના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન, સરહદી ગામ બારેકાના ખેતરમાંથી હેરોઈનના ત્રણ પેકેટ ધરાવતી બેગ મળી આવી હતી. કુલ 13 કરોડની કિંમતનું બે કિલો 650 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. સર્ચ ટીમે સ્નિફર ડોગની મદદથી શંકાના આધારે એક વ્યક્તિને દબોચી લીધો છે અને તે હેરોઈન અંગે પૂછપરછ કરી રહી છે. આ ઘટના BSFના અબોહર સેક્ટરના ફાઝિલકા સ્થિત બરેકા ગામની છે.
મધરાત્રે ડ્રોન ઘુસ્યું હતું, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે ગાઢ ધુમ્મસમાં, પાકિસ્તાનનું ડ્રોન સરહદી ગામ બરેકાના ખેતરોમાં હેરોઈનના પેકેટ ફેંકીને પરત ફરી રહ્યું હતું. બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા BSF જવાનોએ ડ્રોનનો અવાજ સાંભળીને તેના પર છ ગોળીઓ ચલાવી હતી. પરંતુ ડ્રોન પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયું હતું. બીએસએફે રાત્રે જ પોલીસને જાણ કરી હતી. બીએસએફ અને પોલીસે રાતથી જ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સેના – પોલીસે એક શખસની કરી અટકાયત
દરમિયાન ગુરુવારે સવારે બારેકા ગામમાં એક થેલી મળી આવી હતી જે બેગમાં એક હૂક હતો. આની મદદથી ડ્રોનને હેંગ કરવામાં આવ્યું હતું. બેગ ખોલતા હેરોઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. હેરોઈનનું વજન 2 કિલો 650 ગ્રામ છે. તેની કિંમત 13 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. જ્યાંથી હેરોઈનના પેકેટ મળી આવ્યા છે તેના પગના નિશાન મળી આવ્યા છે. સ્નિફર ડોગની મદદથી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. હવે તેની પાસેથી હેરોઈન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.