પાલનપુર : ડીસા પાલિકા અને કોન્ટ્રાક્ટર, બિલ્ડર્સના હોદેદારો વચ્ચે યોજાશે બેઠક
પાલનપુર : ડીસા શહેરનો વિકાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જેને લઇને શહેરમાં અનેક વિસ્તારોમાં મકાન બાંધકામ અને ટાઉનશીપ આકાર લઈ રહી છે. જ્યારે મકાન બાંધકામ, ઇમ્પેક્ટ ફી, નામ બદલવા અને આકારણી ના મુદ્દે અનેક પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે.
ઇમ્પેક્ટ ફી, આકારણી, નામ ફેર અને બાંધકામ પરવાનગીના મુદ્દે થશે ચર્ચાઓ
ડીસા નગરપાલિકામાં શહેરના બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સની એક બેઠક શુક્રવારે સવારે પાલિકા ખાતે બોલાવવામાં આવી છે. જેમાં આ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચાઓ થશે. ડીસા નગરપાલિકા વિસ્તારમાં બનતા શોપિંગ સેન્ટરના બાંધકામો અંગેના નિયમોની પણ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. જોકે કેટલાક સમયથી મકાન બાંધકામની પરવાનગીમાં લોકોને હાલાકી પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
જ્યારે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી અંગેના નિયમો અમલમાં મૂક્યા છે. ત્યારે આ મુદ્દે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે. જેનો અરજદારોને સંતોષકારક પ્રત્યુતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની પાલિકા તંત્રએ જરૂર છે. વહીવટી રીતે આ તમામ પ્રશ્નોનો હકારાત્મક અભિગમ દાખવીને યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી અપેક્ષા કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ એસોસિએશન દ્વારા રાખવામાં આવી રહી છે.
જોકે મકાન આકારણીના પ્રશ્નોમાં વધુ સમસ્યા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પણ પાલિકા તંત્રએ યોગ્ય કરવું રહ્યું. આ સમગ્ર મુદ્દાઓને લઈને બંને એસોસિએશનના સભ્યો શુક્રવારે સવારે 10:30 વાગે સાઈબાબા મંદિર ખાતે એકઠા થશે. ત્યાંથી પાલિકા ખાતે યોજાનારી બેઠકમાં ભાગ લેવા જશે.
આ પણ વાંચો : ગોધરાકાંડના દોષીને SCએ જામીન આપ્યાઃ 17 વર્ષથી હતો જેલમાં