ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે દિવસ સુધી ભાજપની ચિંતન શિબિર હતી. જ્યારે મહેસાણામાં કોંગ્રેસની બેઠક મળી હતી. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં સભાને સંબોધિત કરી હતી. તો આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીએ રાજકોટમાં સભા સંબોધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે હવે આગામી દિવસે મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી સભાઓ કરશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભાઓને સફળ બનાવવા માટે અત્યારથી જ પ્રયાસો તેજ કરી દીધાં છે.
કાલે સવારે ચૂંટણીઓ જાહેર થાય તો પણ કોંગ્રેસ સજ્જ
મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ઝોનની ચૂંટણીને લઇ કોંગ્રેસ મહેસાણા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી હતી. જેમાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, કાલે સવારે ચૂંટણીઓ જાહેર થાય તો પણ કોંગ્રેસ સજ્જ છે. જ્યારે ગેનીબેનના અભદ્ર નિવેદન અંગે કહ્યું કે, રાજકીય કે સામાજિક આગેવાનો બોલવમાં થોડું ભાન રાખે તો વધારે સારું. આ બેઠકમાં સંગઠન અને બુથ મેનેજમેન્ટ માટે મહિલાઓને યુવાનોને જોડવા અને મજબૂત કરવાની ચર્ચા કરાઇ તેમજ આગામી સમયમાં બેરોજગાર યુવાનોને 75 વર્ષ મહોત્સવ ઉજવવા માટે કોંગ્રેસ 75 કિલોમીટરની યાત્રા યોજશે. જેમાં આ યાત્રા ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ગામેગામ ફરશે.
ગુજરાતની ધરતી પરથી ભાજપ સાફ થઈ રહ્યું છે
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ચોમાસા પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલી થાય જાહેર સભા થાય એ બાબતે તમામ કાર્યક્રમોમાં આગેવાનોને આમંત્રિત કર્યા છે. ભાજપને ચૂંટણી વહેલી કરવી હતી એમને એમ કે કોંગ્રેસને સમય નથી આપવો. કાલે સવારે ચૂંટણી જાહેર કરો કોંગ્રેસ ચૂંટણી લડવા સજ્જ છે. ગુજરાતની ધરતી પરથી ભાજપ સાફ થઈ રહ્યું છે. વિવિધ મુદ્દાઓ માટે પ્રોજેકટ હતા એ રદ કરવા પડ્યા છે. વિવિધ સમાજોના આંદોલન ચાલી રહ્યા છે. ગામડાઓ શહેરોમાં ભાજપને ઘુસવા નથી દેતા આ પરિસ્થિતિને ધ્યાને રાખી ભાજપ વિશ્વના નેતાઓ બોલાવી ચૂંટણી તૈયારીઓ કરી રહ્યું છે.