નેશનલ

લક્ષ્મી-ગણેશના ફોટાવાળી ચલણી નોટો છાપવાની માંગ અંગે સંસદમાં સરકારનું મોટું નિવેદન!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર છાપવાની માંગ કરી હતી, જેના પર સંસદમાં સરકારનો જવાબ સામે આવ્યો છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે તેને ભારતીય ચલણી નોટો પર સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને પ્રખ્યાત વ્યક્તિત્વો, દેવી-દેવતાઓ અને પ્રાણીઓની તસવીરો છાપવા માટે વિનંતીઓ મળી છે. સરકારે ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે.

ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ!

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકારને ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના ફોટા સહિત વધુ ફોટા મૂકવાની વિનંતી કરવામાં આવી છે, તો આ માંગને લઈને સરકારની શું યોજના છે. આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્વીકાર્યું છે કે સરકારને વિનંતી કરીને આ માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દેવી-દેવતાઓ અને પ્રાણીઓના ફોટા છાપવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરબીઆઈ એક્ટ 1934ની કલમ 25 હેઠળ સરકાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ બાદ બેંક નોટોની ડિઝાઇન, ફોર્મ અને સામગ્રીને મંજૂરી આપે છે.

kejriwal- Delhi CM HD News
File image

ચલણી નોટોમાંથી રાષ્ટ્રપિતાની હટાવવા અંગે સ્પષ્ટતા

સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકાર ભારતીય ચલણી નોટમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની યોજના પર વિચાર કરી રહી છે? તો રાજ્યકક્ષાના નાણામંત્રીએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે આનો સવાલ જ ઊભો થતો નથી.

ઇમેજને લઈને સરકાર તરફથી મળેલા સૂચનો

તેમણે કહ્યું કે ચલણી નોટો પરની તસવીરને લઈને સરકારને ઘણી વિનંતીઓ અને સૂચનો મળ્યા છે. પંકજ ચૌધરીએ કહ્યું કે 6 જૂન, 2022ના રોજ આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હાલની ચલણી નોટોને બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. નોંધપાત્ર વાત એ છે કે, ત્યારે આરબીઆઈએ વર્તમાન ચલણી નોટો અને બેંક નોટોમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અફવાઓનું ખંડન કરવું પડ્યું હતું.

આરબીઆઇએ ઇનકાર કર્યો હતો

કેટલાક મીડિયાને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઇલ મેન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામના ફોટોવાળી નોટોની નવી શ્રેણી છાપવા પર વિચાર કરી રહ્યા છે. જે બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું.

આ પણ વાંચો : OIC મહાસચિવની PoK મુલાકાતની ભારતે કરી નિંદા, કહ્યું- અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરો

Back to top button