ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા

Text To Speech

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી 56માં સ્થાપના દિવસનાં રોજ જ ફરી વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી ન થતા ભાજપ કોંગ્રેસના કુલ 7 સિન્ડિકેટ સભ્યોના પદ છીનવાઇ જતા બીજા જ દિવસથી ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ અને કાર્યકારી રજિસ્ટ્રારને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલ શુક્લએ પત્ર લખી તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુટ અને ઓડિનન્સનો ભંગ કરીને લેવાયેલ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે.

નેહલ શુક્લએ પત્રમાં શું લખ્યું?
નેહલ શુક્લે પત્ર લખી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકટ મુજબ જ્યારે પૂર્ણ સમયના કુલપતિની નિમણૂક થતી નથી ત્યારે કુલાધિપતિશ્રી કોઇપણ એક ડીનને કુલપતિની ચાર્જ સોંપે છે, પરંતુ તેને કાયમી કુલપતિની જેમ વિશેષ સત્તાઓ મળતી નથી. તેમણે પોતાના દરેક કાર્યો એક માસની અંદર સિન્ડિકેટ બોલાવીને તેમાં મંજૂર કરાવવા જ પડે તેવો નિયમ છે. કુલપતિ દ્વારા આ નિયમનો સદંતર ઉલાળિયો કરાયો જ છે, પરંતુ ઘણા બધા એકટ વિરુદ્ધના નિર્ણયો લેવાયેલ છે તે તાત્કાલિક રદ કરી અને આ નિર્ણયને લીધે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈ પણ આર્થિક નુકસાન થયું છે તો તેના માટે પણ આપની અને ખોટી ગેરકાયદેસર અભિપ્રાય આપનાર અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે જ તેવું આપને સ્પષ્ટ લેખિતમાં આપીએ છીએ.

ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ અને કાર્યકારી રજિસ્ટ્રારને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે

નેહલ શુક્લએ પત્રમાં વધુમાં લખ્યું છે કે- આ સાથે વધુમાં જણાવ્યું છે કે સત્ય આજે નહિ તો થોડા સમય પછી બહાર જરૂર આવે જ છે તે વાત કોઈ કર્મચારીએ ભૂલવી નહિ. આ સિવાય પ્લેસમેન્ટથી ભરતી કરાયેલ કર્મચારીઓમાં જે સમયસર પંચ ન કરે તો તેનો અડધી દિવસનો પગાર કાપવાનો જે લેખિત આદેશ છે તે લેબર લોની સંપૂર્ણ વિરુદ્ધનો છે. અમાનવીય અને શોષણ કર્યા છે તેને તાત્કાલિક રદ કરો અને જેને પણ આ ગેરકાયદેસર નિર્ણય લીધા છે તેના સૌ પર પગલા લેવાવા જોઇએ. ટીચિંગ અને નોટિચીંગની ભરતીમાં જે રીતે નિયમોનો ઉલાળીયો કરીને લાયક ઉમેદવારોને ગેરલાયક ઠરાવ્યા છે તે બધાને તાત્કાલિક ઇન્ટરવ્યુ કોલ આપવાની પણ વાત કરી છે.

નેહલ શુક્લે પોતાના પત્રમાં લખ્યું છે કે- આપના છેલ્લા ત્રણ માસ દરમિયાન લેવાયેલા સિન્ડિકેટની અનુમતિ વિનાના બધા જ નિર્ણયો રદ થવાને પાત્ર છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટનો ભંગ છે અને ગેરકાયદેસર છે જે બધા જ યુનિવર્સિટીન અધિકારીઓ સ્પષ્ટ સમજી લેશો. રાજ્યસરકાર પણ આ વિધાનસભામાં મંજુર કરીને પસાર કરાયેલા એક્ટમાં ફેરફાર કરી તેને વિધાનસભામાં સુધારો મંજુર કર્યા સિવાય કરતી નથી ત્યારે તમે અને તમારા સાથીઓ દ્વારા આ એક્ટ વિરુદ્ધના બધા પગલાં માટે તમારી પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આપ કાર્યકારી કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના નામના વધારો તેવી અપેક્ષા હોય પરંતુ આપના નિર્ણયો સંપૂર્ણ ગેરકાયદેસર હોય છે તે જાણીને ખૂબ જ દુખ થાય છે.

પૂર્વ મુખ્યમંત્રીના જૂથના જૂના સિન્ડિકેટ સભ્યો ઘરભેગા 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની ટર્મ પૂરી થવા છતાં સેનેટની ચૂંટણી યોજાઈ નથી. આથી ભાજપના મેહુલ રૂપાણી, નેહલ શુક્લ સહિત 5 અને કોંગ્રેસના 1 સિન્ડિકેટ સભ્યની ટર્મ પુરી થતા ઘરભેગા થશે. ટર્મ પુરી થતા જ સેનેટની ચૂંટણી યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત ટર્મ પુરી થવા છતાં સેનેટની ચૂંટણી યોજાઇ નથી. બહુ ચર્ચિત ભલામણકાંડ બાદ સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાસ ધ્યાન આપ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોનો ભલામણકાંડ ખૂબ ચગ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીના જૂથના જૂના સિન્ડિકેટ સભ્યો હવે ઘર ભેગા થશે. સેનેટની ચૂંટણીમાં વિલંબ થતા 6 સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થશે. ભાજપમાંથી ભરત રામાનુજ, નેહલ શુક્લ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી અને પ્રવીણસિંહ ચૌહાણનો આવતીકાલે છેલ્લો દિવસ છે. જ્યારે કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ  પણ સિન્ડિકેટ સભ્ય છે.

Back to top button