અરુણાચલ પ્રદેશ : તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ, બંને તરફથી અનેક સૈનિકો ઘાયલ
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. આ ઘટનામાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયાના અહેવાલ સાંપડી રહ્યા છે. આ ઘટના તવાંગ જિલ્લાના યંગસ્ટેમાં બની હતી. બનાવ અંગે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના 9 ડિસેમ્બર 2022ની છે. અહેવાલો અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તવાંગમાં એલએસી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. ચીની સૈનિકોના આ પગલાનો ત્યાં તૈનાત ભારતીય સૈનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશોની સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જો કે, ભારતના સૈનિકોએ એલએસી સુધી પહોંચવાની કોશિશ કરી રહેલા ચીની દળોને પાછળ ધકેલી દીધા હતા.
ચીની સૈનિકોની પીછેહઠ
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોના સૈનિકો થોડી જ વારમાં સ્થળ પરથી પીછેહઠ કરી ગયા હતા. ઘટના બાદ ભારતીય સેનાના કમાન્ડર અને ચીની કમાન્ડરે નિર્ધારિત પ્રક્રિયા મુજબ ફ્લેગ મીટિંગ કરી હતી. જેથી વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય. જો કે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.