દક્ષિણ ભારતમાં ચાલી રહેલ વાવાઝોડાની સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ભારે અસર, વેપારીઓ બન્યા ચિંતિત
દક્ષિણ ભારતમાં ચાલી રહેલા મેન્ડુસ વાવાઝોડાની અસર સુરતના કપડા ઉદ્યોગ પર પડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારત પર મેન્ડુસ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ હતી. જેને પગલે આગામી મહિને દક્ષિણમાં ઉજવાતા પોંગલના તહેવારની ખરીદી ઓછી થઈ રહી છે. જેને કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહી દુર દુરથી લોકો ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આ વખતે મેન્ડુસ વાવાઝોડાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે ખરીદી ઓછી થઇ રહી છે. દક્ષિણ ભારતમાં ચાલી રહેલા મેન્ડુસ વાવાઝોડાના કારણે સુરતના કાપડ વેપારીઓ પણ ચિંતિત થઈ ગયા છે.
પોંગલ તહેવારની ખરીદી ઘટી
જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઉજવાતા ઉતરાયણના તહેવારની સાથે જ દક્ષિણ ભારતમાં પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. જેના માટે નવેમ્બર મહિનાથી જ દક્ષિણના વેપારીઓ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કપડાની ખરીદી માટે આવતા હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો શરૂ થઈ જવા છતાં વેપારીઓ ખૂબ ઓછી સંખ્યામાં આવ્યા છે. તેમજ તેની સામે મેન્ડુસ વાવાઝોડાની અસરને લીધે દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યો હાઈએલર્ટ પર મુકાયા છે. જેથી વાહન વ્યવહાર અને ફ્લાઇટ બંધ હોવાના કારણે વેપારીઓ સુરત આવી શકતા નથી. તેમજ વાવાઝોડાની અસરને કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી દક્ષિણના સ્થાનિક લોકો પોંગલની ખરીદી પર કાપ મુકી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેથી સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
દર વર્ષે પોંગલના તહેવાર પર 1500 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો
દર વર્ષે પોંગલ પર્વની ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારીઓ સુરત આવતા હતા પરંતુ આ વાવાઝોડાને કારણે આ વર્ષે પોંગલની ખરીદી પર સીધી અસર પડી છે. દર વર્ષે પોંગલના તહેવાર પર સુરત કાપડ માર્કેટ 1500 કરોડ રૂપિયાનો વેપાર કરે છે. પરંતુ આ વર્ષે ઓછી ખરીદી થઇ રહી હોવાથી વેપારીઓને નુકશાની થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મેન્ડુસ વાવાઝોડાને લઇને હવામાનની આગાહી
મેન્ડુસ વાવઝોડાએ દક્ષિણ ભારતમાં ભારે તબાહી મચાવી છે. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મેન્ડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારત પર મેન્ડુસ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાઓ હતી. દક્ષિણ ભારતના વેપારીઓ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કપડાની ખરીદી માટે આવતા હોય છે. મેન્ડુસ વાવાઝોડાની અસરને લીધે દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યો હાઈ એલર્ટ પર મુકાયા છે. જેથી વાહન વ્યવહાર અને ફ્લાઇટ બંધ હોવાના કારણે વેપારીઓ સુરત નથી આવી શક્યા.
આ પણ વાંચો :નવી સરકારના મંત્રીઓમાં એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ? જાણો સંપૂર્ણ વિગતો